ગુજરાતી વેપારીની અમેરિકામાં ગોળી મારી હત્યા કરાઈ

વડોદરાઃ વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં રહેતા અને મૂળ ગુજરાતના વડોદરાના વતની કૈલાસ બનાનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કૈલાસ બનાની નામના આ વ્યક્તિને નાનો કાર અકસ્માત થયો હતો અને ત્યારબાદ થોડી બોલાચાલી થતા અજાણ્યા વ્યક્તિએ આવેશમાં આવી જઈને કૈલાસ બનાને ગોળી મારી દીધી હતી ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. કૈલાસ બનાનીનો પરિવાર ગુજરાતના વડોદરા શહેરમાં રહે છે. ત્યારે પરિવારને આ સમાચાર મળતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના આર.વી. દેસાઇ રોડ પર રહેતા બનાની પરિવારના 49 વર્ષના કૈલાશ બનાની છેલ્લા 25 વર્ષથી અમેરીકાના વર્જીન આયલેન્ડ ખાતે સ્થાયી થયા હતા. ત્યાં તેઓ પેનાસ જ્વેલરી સ્ટોર ધરાવતા હતા. ગઇકાલે સ્ટોર બંધ કરીને તેઓ તેમની કારમાં ઘેર જઇ રહ્યા હતા.

ટ્રાફીક સીગ્નલ બંધ હોવાના કારણે તેઓ કાર ઉભી રાખી હતી. ત્યાર બાદ તેમની કારની પાછળ પૂરઝડપે આવેલી એક કારના ચાલકે અથાડીને અકસ્માત કર્યો હતો. તેની સાથે આ કારમાં કેટલાક અજાણ્યા યુવાનો બહાર આવ્યા હતા. તેઓએ ઝઘડો કરીને કૈલાશ બનાનીને ગોળી મારી દીધી હતી. બિઝનેસમેનનું સ્થળ પર મોત નીપજ્યુ હતુ.

આ ઘટનાની તેઓના વડોદરા સ્થિત પરિવાર તથા મિત્રવર્તુળમાં જાણ થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેમના સ્થાનીક મિત્ર વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કૈલાશ બનાની ગત નવરાત્રીમાં જ વડોદરા આવ્યા હતા.