બજારોમાં પતંગ-દોરી ખરીદનાર કરતાં વેચનાર વધારે

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગરસિયાઓ માટે શહેરના દરેક વિસ્તારમાં દુકાનો, મંડપ, ખૂમચા લાગી ગયા છે. શહેરના મુખ્ય બજારો દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા પાસે પતંગ-દોરીનું મોટું બજાર લાગ્યું છે. એ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં પતંગોત્સવ માટે મોટા મંડપો લાગી ગયા છે.

ઉતરાયણની પૂર્વસંધ્યાએ જ અમદાવાદીઓ છેલ્લી ઘડીએ ખરીદી કરવાની મજા માણતાં હોય છે. પરંતુ આ વર્ષે દરેક વિસ્તારના પતંગના બજારમાં ગ્રાહકો કરતાં વેપાર કરનારા વધારે જોવા મળી રહ્યા છે.

સિઝનલ ધંધો કરતાં હજારો પરિવારો ફૂટપાથો પર પીપૂડા, ટોપીઓ, ગુંદરપટ્ટી, ફુગ્ગા, પતંગ દોરીઓ સાથે કંઇક રળી લેવાની આશ લઇને બેઠાં છે. દર વર્ષે દરેક વિસ્તારોમાં આવા સિઝનલ ધંધો કરતાં હજારો પરિવારો સતત વધતા જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)