રાજ્યમાં વલસાડ, અરવલ્લી સહિત ઠેર-ઠેર કમોસમી વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. તેને કારણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક પવન અને કરાં સાથે વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે  રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં વલસાડમાં કરાં સાથે વરસાદ, અંબાજી, અરવલ્લીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદ વરસ્યો છે. આ સાથે અરવલ્લીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયાં છે. શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયો હતો.

ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠા, હિંમતનગરમાં વાવઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ખેડબ્રહ્માના દામવાસ કંપા ,લક્ષ્મીપુરા વિસ્તારમાં કરાં સાથે વરસાદનું આગમન થયું છે. ઈડરના બોલુન્દ્રા, મોટા કોટડા અને પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ આવ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો.

વલસાડના કપરાડાના હુડા ગામ પાસે કરાં સાથે વરસાદ ખાબક્યો છે. અહીં તેજ પવન ફૂંકાતાં મિની વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો. ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આશ્રમશાળાના પતરાં અને શેડ ઊડ્યાં હતાં. તેજ પવનથી આશ્રમશાળાના સામાનને પણ નુકસાન પહોંચ્યુ હતુ.

અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસોમાં અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ અને સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.