ભાવનગરઃ ‘હું એકલો છું અને મને કોરોના થયો છે. અમારા ફ્લેટવાળા બહાર નીકળવા દેતા નથી. દૂધની થેલી દરવાજે મૂકી હોય એ લઈ ચા બનાવી તેના આધારે છેલ્લા બે દિવસથી રહું છું. મને જમવાનું મળશે?’ એક વૃદ્ધ ફોન પર રડી પડે છે અને ટીફીન પહોંચાડવા આજીજી કરે છે. આવું સાંભળી ગળે ડૂમો બાજી જાય છે, એમ કિરીટ પંડ્યા કહે છે.
સંસ્કાર અને કલાનગરી ભાવનગર કંઈક અલગ કરવા અગ્રેસર હોય છે. આવો જ એક સેવા-યજ્ઞ શરૂ કરાયો છે. ભાવનગર શહેરમાં આવી અનેક વ્યક્તિ, પરિવારજનો કોરોનાને કારણે લાચાર છે અને પૈસાના કારણે નહીં પરંતુ સ્થિતિના કારણે ભૂખ્યા સૂઈ જવું પડે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં આ સેવાનો વિચાર આવ્યો અને સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિના કાર્યકરોએ આ સેવાયજ્ઞ શરૂ કર્યો. ભાવનગર શહેરમાં જ્ઞાતિ સમાજથી પર સહુ કોઈ માટે ઉપલબ્ધ આ સેવાનો આજે ૩૦૦થી વધુ લોકો લાભ લઈ રહ્યા છે, તેમ આ ટીમના કુંતલ ત્રિવેદી જણાવે છે.
સિહોર સંપ્રદાય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અને અન્ય સમાજના ૩૫થી વધુ સેવાભાવી કાર્યકરો દ્વારા સવાર-સાંજ ઘર સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં આ પ્રકારની સૌ પ્રથમ કહી શકાય એવી આ વ્યવસ્થા ગઈ 9 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે અને ૧૨૦થી શરૂ થયેલો આંકડો ૩૩૦ થયો છે. આ સેવામાં અનેક દાતાઓનો સુંદર સહયોગ મળી રહ્યો છે, તેમ કિરીટ પંડ્યા ઉમેરે છે.
રસોડાનો કાર્યભાર સંભાળતા પ્રભાકર વ્યાસ કહે છે કે, પાર્સલમાં સવારના જમણમાં રોટલી, દાળ, ભાત, શાક અને એક કઠોળ તેમજ સાંજે ભાખરી, ખીચડી, કઢી અને શાકને યુઝ-એન્ડ-થ્રો પ્લેટમાં આપવામાં આવે છે. સવારના ભોજન માટે સવારે 11-30 અને સાંજના ભોજન માટે સાંજે 6-30 કલાકે દૂરના એરીયામાંથી 35 કાર્યકરો દ્વારા વિતરણ શરૂ કરવામાં આવે છે.
આ સેવામાં સામેથી કોઇપણ પાસે દાન લેવામાં આવતું નથી અને જે લોકોને દાન આપવું હોય તે વસ્તુ અથવા રોકડના સ્વરૂપમાં આપી જાય છે. લોકોનો સ્વયંભુ સહયોગ અદભુત છે તેમ ઉદય પંડ્યા, અજય પંડ્યા જણાવે છે.