રેમડેસિવિરની અછતઃ ભાજપ કાર્યાલયની બહાર લાંબી લાઇન

અમદાવાદઃ દેશમાં કોરોનાની બીજી લહેર કેર વર્તાવી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સ્થિતિ ગંભીર છે, ત્યારે કોરોના સંક્રમણ વધવાની સાથે કેટલાંક રાજ્યોમાં રેમડેસિવિર દવા અને ઓક્સિજનની અછત ઊભી થવા માંડી છે. રાજ્યમાં રેમડેસિવિરની અછત સર્જાઈ છે. જેને કારણે સોમવારે ભાજપના કાર્યાલયની બહાર દવા વિતરણ કરવામાં આવ્યું હતું. આ દવા લેવા માટે લાંબી લાઇનો લાગી હતી.

દેશમાં એક બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નિકાસ પર પ્રતિબંધ ત્યાં સુધી લાગૂ રહેશે જ્યાં સુધી દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાય નહીં  આ સાથે રાજ્યમાં આ ઇન્જેક્શનના કાળા બજાર પણ થઈ રહ્યા છે.

બીજી બાજુ, રેમડેસિવિરની અછત વચ્ચે એની અવેજીમાં લેવામાં આવતી ટોસિલિઝુમેબ ઇન્જેક્શન  લેવા માટે દર્દીના સગાઓ અહીંતહીં જુગાડ કરી રહ્યા છે, કેમ કે સ્વિટ્ઝર્લેન્ડની કંપનીએ ટોસિલિઝુમેબ ઇન્જેકશનનું ઉત્પાદન ઘટાડી દીધું છે અને આ ઇન્જેક્શનની માગ વધી ગઈ છે.

જોકે ડોક્ટરોના જણાવ્યા મુજબ જે દર્દીને ઓક્સિજનની જરૂર હોય, ફેફસામાં વધુ સંક્રમણ હોય તેવા દર્દીને ટોસિલીઝુમેબ આપવું પડે છે. છેલ્લા એકાદ મહિનાથી આની પણ અછત જોવા મળી રહી છે. જેને કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.