અમદાવાદ: રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં મહત્મ તાપમાન 40 થી 43 સુધી નોંધવામાં આવ્યું હતું. ત્યારે ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગામન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.
રાજ્યમાં હવામાનના નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી 23થી 25 મે વચ્ચે વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજુ વાવાઝોડું 10 જૂન આસપાસ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના પ્રમાણે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. 26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબુત બનશે અને તબાહી માચાવે તેવું બનવાની શક્યતા છે. નોંધનીય છે કે વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થશે.
બીજી તરફ, અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે. જેના કારણે ચોમાસાા નિયમિત વરસાદ પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે. ગુજરાતમાં 26 થી 30 મેના આધી વંટોળ સાથે વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. 7થી 14 જુન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જશે.