અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતા કાપડના ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતો. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બરની સવારે જયપુરમાં અજમેર-હાઇવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. એલપીજી ગેસથી ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 11 લોકો જીવતા ભૂંજાયા અને 33 લોકો દાઝી ગયા હતા. અમદાવાદ-રાજકોટ હાઈવે પર એક આવો જ અકસ્માત થયો છે.
સૂત્રોની મહિતી મુજબ, ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા બાવળા, બગોદરા અને કોઠ પોલીસ સ્થળે પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. જ્યારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. કાપડથી ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે.