જામનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન (GCTM)નો શિલાન્યાસ વિધિ સંપન્ન કર્યો હતો. એ પ્રસંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના મહામંત્રી ડો. ટેડ્રોસ ગબ્રિયસુસ, મોરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદકુમાર જુગનોથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ડો. ટેડ્રોસે આ કેન્દ્રની સ્થાપના કરવામાં સાથ આપવા બદલ ભારત સરકાર અને નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. એમણે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી શબ્દો ‘કેમ છો બધા, મજામાં?’થી કરી હતી. મોદીએ તે બદલ ડો. ટેડ્રોસની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ‘તમે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં બોલીને અમારાં હૃદયને સ્પર્શ કર્યો છે.’
મોદીએ કહ્યું કે WHO સંસ્થાએ પરંપરાગત ઔષધિના આ કેન્દ્રના રૂપમાં ભારત સાથે એક નવી ભાગીદારી શરૂ કરી છે. પરંપરાગત ઔષધિના ક્ષેત્રમાં ભારતના યોગદાન અને ભારતની ક્ષમતા, બંનેનું આ સમ્માન છે. ભારત આ ભાગીદારીને પૂરી માનવતાની સેવા માટે મોટી જવાબદારીના રૂપમાં લઈ રહ્યું છે. જામનગરનો આયુર્વેદ સાથે બહુ જૂનો અને વિશેષ સંબંધ રહ્યો છે. પાંચ દાયકા પહેલાં વિશ્વની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી અહીં શરૂ કરવામાં આવી હતી. હવે WHOનું આ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર જામનગરને વિશ્વભરમાં એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ કેન્દ્ર દુનિયાભરનાં લોકોને પરંપરાગત ઔષધિની વધારે નજીક લાવવાનું કામ કરશે.
