આ ચોમાસે ભૂવા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત્

અમદાવાદઃ રાજ્યમાં અષાઢ મહિને ચોમાસું જામ્યું છે. મોટા ભાગના તાલુકામાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે. ક્યાંક વરસાદ સોનું સાબિત થયો તો ક્યાંક આફતની જેમ વરસ્યો છે. શહેરમાં શુક્રવારની સાંજે પડેલા વરસાદથી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રેલવેના અંડરબ્રિજ અને ગરનાળા પાણીથી છલોછલ થઈ ગયા હતા.

શનિવારની સવારે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા. શહેરના આશ્રમ રોડને અડીને આવેલા મીઠાખળી અંડરપાસમાંથી પણ પાણી ઊતર્યુ નહોતું. ઘણાં ગરનાળામાંથી ફાઇટર દ્વારા પાણી ખેંચવામાં આવ્યું હતું. આ વરસાદે ઘણા વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા.

શહેરના એકદમ ગીચ એવા જમાલપુર કાચની મસ્જિદ વિસ્તારમાં વિશાળ ભૂવો પડ્યો હતો. સતત બીજા દિવસે શહેરમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેને કારણે મોટી સંખ્યામાં નવા ભૂવા પડ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી. અમદાવાદ શહેરના નવા વિકસેલા વિસ્તારોના કેટલાક માર્ગ પર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જ નથી. જેને કારણે માર્ગ તળાવમાં ફેરવાઈ ગયા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)