શિયાળામાં સ્કૂલોમાં સ્વેટર, મફલર બાબતે મનમાની નહીં ચાલે

અમદાવાદઃ સ્કૂલ સંચાલકોની લાલિયાવાડી અને શિક્ષણના નામે વેપલો નહીં ચલાવી લેવામાં આવે., રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં ચોક્કસ પ્રકારના ડ્રેસ સાથે ચોક્કસ પ્રકારનાં સ્વેટર કે ગરમ કપડાં પાડવામાં આવતી હોવાની ફરિયાદ રાજ્યના શિક્ષણ વિભાગને મળી હતી. જેથી રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે કે વિદ્યાર્થીઓ સ્કૂલોમાં કોઈ પણ સ્વેટર કે મફલર પહેરી શકશે. શાળાઓ નિશ્ચિત જ સ્વેટરની ફરજ પાડી શકે નહીં. શાળાઓ વાલીઓને ચોક્કસ પ્રકારનાં ગરમ કપડાં ખરીદવા ફરજ નહીં પાડી શકે.

અત્યાર સુધી શાળાઓમાં નિશ્ચિત ગરમ કપડાં લેવા અને ખરીદવા ફરજ પડાતી હતી, પરંતુ હવે રાજ્ય સરકારનો આદેશ થતા વાલીઓને રાહત થઈ છે. જોકે આ નિર્ણયની જાહેરાત ઘણી મોડી કરી હોવાની પણ વાલીઓમાં ચર્ચા છે. શિયાળામાં ઘણી શાળાઓમાં મનપસંદ સ્વેટર કે ટોપી ન પહેરવા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો આવી છે. સ્કૂલના નિયમાનુસાર જ ગરમ કપડાં પહેરવા અંગેના બનાવો સામે આવ્યા બાદ રાજ્ય શિક્ષણ મંત્રી દ્વારા રાજ્યની તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યની તમામ શાળાની અંદર ચોક્કસ પ્રકારનું જ સ્વેટર પહેરવું અથવા તો યુનિફોર્મના કલરનું જ સ્વેટર પહેરવું એવા નિયમો છે ત્યાં હવે વિદ્યાર્થીઓ પોતાને ગમેતેવાં ગરમ કપડાં પહેરી શકશે.

પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર હવેથી રાજ્યની કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનાં ગરમ કપડાં પહેરવા ફરજ પાડી શકશે નહીં. હવેથી વિદ્યાર્થીઓ મનપસંદ ગરમ કપડા પહેરી શકશે. શાળા તરફથી કોઈ પણ પ્રકારનું દબાણ કરી શકાશે નહીં.