રાજ્યમાં વરસાદની શક્યતા નહિંવત, જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે તમામ ખેલૈયાઓને મુજવતો પ્રશ્ન એ હોય છે કે ક્યાંક વરસાદ ન આવી જાય. તો આ વર્ષે ગુજરાતમાં મેઘરાજાએ તો નવરાત્રિના પહેલા દિવસેથી પૂર્ણ વિરામ મુક્યું હોય, તેવુ લાગી રહ્યુ છે. તો બીજી બાજું ગરમી જોર વધ્યું છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે પણ ડબ્બલ ઋતુના અનુભવ થવાની આગાહી વ્યક્ત કરી છે. રાજયમાં 7 દિવસ ડ્રાય વાતાવરણ રહેશે, સાથે સાથે અમદાવાદમાં 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.ગાંધીનગર સહિત 35થી 36 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. તો અગામી દિવસોમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, આજથી એટલે કે, 7થી 13 ઓક્ટોબર સુધીમાં એટલે કે સોમવારથી રવિવાર સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. ગુજરાતનું હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 24 કલાક સુધી તાપમાન યથાવત્ રહેશે. જે બાદ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવવાની શક્યતા છે.

જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયકલોન ચક્રવાતમાં રૂપાતર થઈ શકે છે. આ સાથે ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે. ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શકયતા છે જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શકયતા છે. 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજયમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.