સરદાર જન્મજયંતિની વિશ્વવિરાટ ભેટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’, PM મોદીના હસ્તે લોકાર્પણ

કેવડીયાઃ વિશ્વના ફલક પર અખંડભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. આ જન્મજયંતિ ગુજરાત જ નહીં, દેશના ઇતિહાસમાં અલગ પ્રકરણરુપ બની રહે તેવી રીતે ઉજવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી” રાષ્ટ્રને સમર્પિત કરવા કેવડીયા ખાતે સવારે સાડા આઠે આવી પહોચ્યાં હતાં.સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે તેમની 182 મીટર ઊંચી પ્રતિમા ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે લોકાર્પિત થશે.આ સમારંભના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રી અને અન્ય મહાનુભાવો કળશમાં માટી અને નર્મદાનાં જળ સિંચીને સ્ટેચ્યુ ઑફ યુનિટી” રાષ્ટ્રને સમર્પિત કરશે. જ્યારે પીએમ મોદી એક લીવર દબાવીને મૂર્તિનો વર્ચ્યુઅલ અભિષેક કરશે.

નર્મદા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું દેશના પીએમ નરેન્દ્ર મોદી કરશે અનાવરણ..

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાની વિશેષતા..

– 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા..

– 2,332 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ..

– અંદાઝે 70,000 હજાર ટન સિમેન્ટનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરાયો વપરાશ..

– અંદાજે 250 ઇજનેરો અને 3700 જેટલા કારીગરો દ્વારા નિર્માણ કાર્ય કરાયું પૂર્ણ..

– અંદાજે 18,500 ટન રિઇન્ફોરસમેન્ટ સ્ટીલ તેમજ 6000 ટન સ્ટ્રક્ચર સ્ટીલનો ઉપયોગ..

– 1700 મેટ્રિક ટન વજન બ્રોન્ઝ આવરણ ધરાવતી વિશ્વની ઊંચી પ્રતિમા બની..

– અંદાજે 15 હજાર જેટલા સહેલાણીઓ મુલાકાત લેવી તેવી શકયતા..

 

વડાપ્રધાન સમારોહસ્થળે ઉપસ્થિત જન સમુદાયને સંબોધન પણ કર્યું હતું.. આ સ્થળેથી સરદાર સરોવર બંધતેના જળાશય અને સાપુતારા તથા વિંધ્ય પર્વતમાળાનું નયનરમ્ય દ્રશ્ય નિહાળી શકાય છે.

લોકાર્પણ સમારોહ પ્રસંગે ભારતીય હવાઈ દળના વિમાનો ફ્લાયપાસ્ટ કરશે અને વિવિધ ટુકડીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાં.

તાજા અપડેટ

પીએમ મોદી કેવડીયા ખાતે સવારે સાડા આઠે આવી પહોચ્યાં

તેમની સાથે મુખ્યપ્રધાન રુપાણી સહિતના પ્રધાનો, પૂર્વ સીએમ આનંદીબહેન પટેલ ઉપસ્થિત

વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લઇને 250 ધરાવતાં ટેન્ટ સિટીનું લોકાર્પણ કર્યુંરાષ્ટ્રીય કે પ્રદેશ કોંગ્રેસની એકપણ વ્યક્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકાર્પણ પ્રસંગમાં ઉપસ્થિત ન રહી

ઉપસ્થિત મહેમાનોનું મનોરંજન કરી રહ્યાં છે વિવિધ અવસરે યોજાતાં રંગારંગ પ્રાદેશિક નૃત્યો

સ્ટેચ્યૂ  ઓફ યુનિટી ઉદઘાટન પ્રસંગે મંચ પર મહાનુભાવોએ લીધું સ્થાન, પીએમ મોદી મંચ પર આવી પહોચ્યાં

મંચસ્થ મહાનુભાવોઃ પીએમ મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સીએમ વિજય રુપાણી, ડેપ્યૂટી સીએમ નિતીન પટેલ, રાજ્યપાલ ઓ પી કોહલી, કર્ણાટક રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ સીએમ આનંદીબહેન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

સીએમ વિજય રુપાણીએ કર્યું ઉપસ્થિતોને સંબોધન, પીએમ મોદીને આવકાર અને અભિનંદનપત્ર અર્પણ કર્યાં

ઐતિહાસિક ક્ષણોમાં પધારનાર સૌ કોઇનો આભાર માનતાં સીએમે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યારંભે મોદીએ ફરકાવેલો ધ્વજ અને સૌપ્રથમ ઝારખંડના ખેડૂતો લોખંડના દાનમાં આપેલો હથોડાનો ઉલ્લેખ કરાયો

સ્ટેચ્યૂ ઓપ યુનિટીના મૂર્તિકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથારનું શાલ ઓઢ઼ી સન્માન કરાયું

10.30 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાજળ અને પવિત્ર માટી ધરાવતાં કળશ પૂજન કરાયું

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ કાર્ય સંદર્ભે કાર્યયોજના અંગે વિડીયો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

પીએમે લીવર ખેંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રાષ્ટ્રાર્પિત કરી

સૌએ સન્માનપૂર્વક સ્થાન પર ઊભાં થઈને મહામૂર્તિને આવકારી, સમગ્ર પરિસરમાં આનંદની લહેર ફરી વળી

એરફોર્સના વિમાનો દ્વારા રાષ્ટ્રધ્વજના રંગોની ફ્લાય પાસ્ટ યોજાઈ

સરદાર પટેલ અમર રહેના નારાઓ લગાવડાવતાં પીએમે શરુ કર્યું હિન્દીમાં સંબોધન,દેશ કી એકતા ઝિંદાબાદના નારા પોકારાયાં

હિન્દુસ્તાનને પ્રેમ કરવાવાળા સૌનું અભિવાદન. આપની ભારત ભક્તિના બળ પર હજારો વર્ષોથી ચાલી આવતી સભ્યતા ફૂલીફાલી છે

કોઇપણ દેશ માટે આવો અવસર આવે છે તે પૂર્ણતાનો અહેસાસ કરાવે છે. આ એ ક્ષણ છે જે રાષ્ટ્રના ઇતિહાસમાં દર્જ થઈ જાય છે જેને મીટાવી શકવો મુશ્કેલ બની જાય છે. આજે તેવી ક્ષણ છે.

આજે ધરતીથી લઈ આસમાન સુધી સરદાર સાહેબનો અભિષેક થઈ રહ્યો છે ત્યારે ભારતે એક નવો ઇતિહાસ રચીને ભવિષ્ય માટે પ્રેરણાનો ગગનચૂંબી આધાર તૈયાર કર્યો છે. એ મારું સદભાગ્ય છે તે દેશને સમર્પિત કરવાનું સૌભાગ્ય મળ્યું છે

મેં જ્યારે આ સ્વપ્ન સેવ્યું ત્યારે એવો ખ્યાલ ન હતો કે હું પીએમ તરીકે તેનું ઉદઘાટન કરીશ.

આજે ગુજરાતના લોકોએ મને જે અભિનંદનપત્ર આપ્યો છે તે માટે ગુજરાતની જનતાનો ખૂબ આભારી છું. મારા માટે તે જે માટીમાં મોટો થયો, સંસ્કાર કેળવ્યાં, મા પીઠ થાબડે અને ઉત્સાહ લાખો ગણો વધે તેવી રીતે આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યો છું

મને લોખંડ અભિયાનમાં મળેલો લોઢાનો ટુકડો અને ધ્વજ મને ભેટમાં અપાયાં છે તે માટે કૃતજ્ઞતા અનુભવતાં તે ચીજોને અહીંના મ્યૂઝિયમને સોપું છું.

આજે દિલ ભરીને ઘણું કહેવાનું મન થાય છે. એ ક્ષણો યાદ આવે છે જેમાં ખેડૂતો પાસે જૂના ઓજાર અને માટી માગવામાં આવી હતી. દેશના લાખોકરોડો ખેડૂતોએ તેમાં પ્રદાન આપી જનઆંદોલન બનાવી દીધું.

આ કાર્ય અંગે શંકાકુશંકાઓ પ્રગટ થઈ રહી હતી ત્યારે હું એ પહાડો શોધી રહ્યો હતો કે જેમાંથી હું સરદારની પ્રતિમા તરાશી શકું. જોકે તેમ થયું નહી ત્યારે આજે જે નિહાળો છો તે રીતની પ્રતિમા સંપન્ન થઈ છે.

આ દુનિયાની સૌથી ઊંંચી પ્રતિમા છે એ તે વ્યક્તિના સાહસ અને સંકલ્પની યાદ અપાવતી રહેશે. જેણે ભારતની ભૂમિને ખંડખંડ કરવાની સાજિશને નાકામ કરી દીધી. લોહપુરુષ સરદાર પટેલને હું શતશત નમન કરું છું. સરદાર સાબેહનું સામર્થ્ય એ વખતે કામ આવ્યું હતું ત્યારે સાડા પાંચસો ટુકડામાં ભારત વહેચાયેલું હતું.

નિરાશાવાદીઓ એ સમયે પણ હતાં કે જેમને લાગતું હતું કે ભારત ટુકડામાં વિખરાઈ ઝસે. ત્યારે આશાનું કિરણ હતાં સરદાર વલ્લભભાઈ પટેલ, તેમનામાં કૌટિલ્યની કૂટનીતિ અને શિવાજીના શૌર્યનું મિશ્રણ હતું. રજવાડાંઓને સંબોધતાં તેમણે કહેલાં વાક્ય આજે પણ ઉપયુક્ત છે કે વિદેશી આક્રાંતાઓ સામે આપણી અંદરઅંદરના ઝઘડાં જોખમ છે. આ સંવાદથી દેશના એકીકરણની પ્રક્રિયામાં સંમિલિત થઈ રજવાડાંઓએ ત્યાગની મિશાલ કાયમ કરી હતી. તેમના ત્યાગને પણ આપણે કદી ન ભૂલવા જોઇએ.

મારું એક સપનું છે કે રાજારજવાડાનું પણ એક વર્ચ્યૂઅલ મ્યૂઝિયમ તૈયાર કરવામાં આવે. તેમને પણ આપણે યાદ રાખવા પડે. દુનિયામાં ભારતની જે ખામી પર મહેણાં મારવામાં આવી રહ્યાં હતાં તેને તાકાત બનાવી સરદાર સાહેબે નવો રસ્તો દેખાડ્યો હતો.

તેમની તાકાત પર ભારત દુનિયા સાથે પોતાની શરતો પર વાત કરી રહ્યું છે. દુનિયાના દેશોની સામરિક શક્તિના સામનામાં ઊભું છે. ગમે તેટલો દબાવ કે મતભેદ કેમ ન હોય ગવર્નન્સને કેવી રીતે સ્થાપિત કરી શકાય તે સરદાર સાહેબે પ્રસ્થાપિત કર્યું છે. કચ્છથી કોહિમા, કારગિલથી કેરળ સુધી આપણે જઇ શકીએ છીએ તે તેમના લીધે શક્ય બન્યું છે.

પળભર કલ્પના કરો કે સરદાર સાહેબે એકીકરણનું કામ ન કર્યું હોત તો આજે ગીરના લાયન જોવા, શિવભક્તોને સોમનાથમાં પૂજા કરવા અને હેદરાબાદના ચારમિનારને જોવા આપણે વિઝા લેવા પડત. તેમનો સંકલ્પ ન હોત તો કશ્મીરથી કન્યાકુમારીની સીધી ટ્રેનની કલ્પના ન કરી શકાત.

21 એપ્રિલ 1947એ સરદાર સાહેબે આઈસીએસ બેઠકમાં કહ્યું હતું કે જે આઈસીએસમાં ન કોઇ ભારતીય હતું ન તેમાં કોઇ સિવિલ હતું ન કોઇ સેવાની ભાવના હતી તેને નવયુવાનોને અપીલ કરતાં કહ્યું હતું કે પારદર્શિતા સાથે ભારતીય પ્રશાસનિક સેવાઓનું ગૌરવ વધારી ભારતના નવનિર્માણ માટે કામ કરવા જણાવ્યું હતું.

સરદાર પટેલને દેશના ગૃહપ્રધાન એવા સમયે બનાવાયાં જ્યારે દેશમાં પુનઃનિર્માણ અને અસ્તવ્યસ્ત કાનૂન વ્યવસ્થા હતી એ સમયે દેશને તેમાંથી બહાર કાઢ્ચાં આધુનિક પોલિસ ફોર્સનો પાયો નાખ્યાં. દેશ સાથે પ્રશાસનને જોડવા સતત કાર્યરત રહ્યાં. મહિલાઓને પણ જોડવા માટેનો તેમનો રોલ હતો. મહિલાઓ ચૂટણીમાં આવી શકતી ન હતી ત્યારે આઝાદી પહેલાં એ ભેદભાવ મીટાવવાનો રસ્તો ખોલાયો હતો. તેમના કારણે મૌલિક અધિકાર આપણા લોકતંત્રનો હિસ્સો છે

આ પ્રતિમા તેમના એ જ પુરષાર્થ અને સંકલ્પનું પ્રગટીકરણ છે તેમના સામ્ર્થ્ય અને સમર્પણ ઉપરાંત નવા ભારતની આત્મવિશ્વાસની અભિવ્યક્તિ છે આ પ્રતિમા એ યાદ અપાવવા માટે છે કે રાષ્ટ્ર શાશ્વત છે રહેશે અને રહેશે. એ દેશભરના ખેડૂતોના સ્વાભિમાનનું પ્રતીક છે જેમની માટી અને ઓઝારોથી તેની મજબૂત નીંવ પડી છે.

આ એ આદિવાસીભાઈબહેનોના યોગદાનનું પ્રતીક છે જેમણે બહુમૂલ્ય પ્રદાન આપ્યું છે. યુવાઓને એ યાદ અપાવી રહ્યું છે કે ભવિષ્યનું ભારત એવી આંકાક્ષાઓનું છે કે જે આ પ્રતિમાનું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત…

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આપણા તકનીકી સામર્થ્યનું પ્રતીક પણ છે. જેમણે મિશન મોડ પર કામ કર્યું છે. રામ સુથારની આગેવાનીમાં કલાના આ ગૌરવશાળી મિશનને પૂર્ણ કર્યું છે. ભારતભક્તિનું જ એ બળ છે જેના કારણે આ કાર્ય પૂર્ણ થયું છે.

સરદાર યોજના કઇ રીતે પૂરી થઈ તે  આપની આંખોએ જોયેલું છે. સરદારની પ્રતિમા સાથે ઇતિહાસનો એક હિસ્સો, સફર, પડાવ તેની યાત્રા 8 વર્ષ પહેલાં શરુ થઈ હતી. અમદાવાદમાં મેં તેનો વિચાર સૌ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે મનમાં એક જ ભાવના હતી કે જે મહાપુરુષે દેશને એક કરવા જે પુરુષાર્થ કર્યો,  તેમનું એ સન્માન મળવું જોઇએ જેના તેઓ હકદાર છે.

પણ હું હેરાન થઇ જાઉં છું જ્યારે આપણાં જ દેશના લોકો આલોચના કરવા લાગે છે. એવો અહેસાસ કરાવવાનો પ્રયત્ન થાય છે કે જાણે અમે કોઈ મોટો અપરાધ કરી નાંખ્યો હોય. શું દેશના મહાનાયકોને યાદ કરવા અપરાધ છે શું ?

આ સ્થાન રોજગાર અને અર્થવ્યવસ્થાનો હિસ્સો પણ બનશે. અહીંના વિસ્તારના આદિવાસીઓને પ્રકૃતિએ જે આપ્યું છે તે આધુનિકરુપમાં કામમાં આવનાર છે અને પૂરી દુનિયા આદિવાસી સંસ્કૃતિનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરશે, સાતપૂડા અને વિંધ્યપર્વતોના દર્શન પણ કરી શકાશે. આ વિસ્તારને ટુરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવા ગુજરાત સરકાર પ્રયાસ કરી રહી છે. હું તો ઇચ્છું છું કે વેલી ઓફ ફ્લાવર્સમાં એવી નર્સરી બને જે એકતાનો છોડ સાથે સાથે લઇને જાય. આ ક્ષેત્રની નવી પહેચાન બનશે.

અહીંના ચોખાથી બનેલા પહેલામાંડા ઊનામાંડા જેવા વ્યંજનો અહીં આવતાં લોકોને ખૂબ ભાવશે, અહીંના ઔષધોને દુનિયામાં ઓળખાણ મળશે, શોધકેન્દ્રની ભૂમિકા આ સ્મારક બનાવશે. હું સીએમ હતો ત્યારે પણ મારો આગ્રહ હતો કે આપણી પુરાતન સંસ્કૃતિ સંસ્કારને લઇને આગળ વધીએ. સરદાર સાહેબની સ્મૃતિ, ગાંધીકુટિર, કચ્છ માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, ગોવિંદગુરુ શ્રદ્ધાસ્થળ સહિત દેશભરમાં અનેક દેશનાયકોના વિવિધ સ્મારકો આપણે બનાવી ચૂક્યાં છીએ. અમે ઇતિહાસને પુનર્જિવત કરવા પર કામ કરી રહ્યાં છીએ.

જે સ્વપ્ન સરદાર સાહેબે જોયાં હતાં તેને પૂરા કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યાં છીએ. સરદાર પટેલ ચાહતાં હતાં તેવું ભારત સશક્ત સમાવેશી બને તેવું બનાવવા આગળ વધીએ. જરુરતમંદોને ઘર, વીજળી, રોજગાર, ફાઈબર ઓપ્ટિક સાથે જોડવા, ગેસ કનેક્શન્સ, શૌચાલય સુવિધા પર કામ થઈ રહ્યું છે.

અનેક દેશોની કુલ જનસંખ્યા કરતાં વધુ લોકો જેમાં સંકળાયેલા છે તેવી મોદી કેર યોજનામાં લોકોને જોડ્યાં છે તે સશક્ત ભારત માટે છે. સરદાર સાહેબે રજવાડાંને જોડી દેશનું કરાજકીય એકીકરણ કર્યું ત્યાં અને જીએસટીથી વન નેશન વન ટેક્સનું સ્વપ્ન સાકાર કર્યું છે. ભારતમાલા, સેતુભારતમ જેવા અનેક કાર્યક્રમ દેશને જોડવા એક ભારત શ્રેષ્ઠ ભારતના સરદાર સાહેબના સ્વપ્નને સાકાર કરવા માટે કરી રહ્યાં છીએ.

દેશની અખંડિતતાને બનાવી રાખવી એવી જવાબદારી છે તે સરદાર પટેલ આપણને સોંપીને ગયાં છે ત્યારે દેશને બાંટવાની દરેક કોશિશનો પૂરજોર જવાબ આપીએ. આપણે સમાજની રીતે એકજૂટ રહી પ્રણ કરવાનું છે કે સરદારના સંસ્કારનો પવિત્રતા સાથે આવનારી પેઢીમાં ઊતારવામાં કોઇ કમી નહીં છોડીએ.

સરદાર કહેતાં કે દરેક ભારતીયે એ ભૂલવું પડશે કે તે કઇ જાતિ કે વર્ગથી છે તેણે એક જ વાત યાદ રાખવી પડશે કે તે ભારતીય છે. એટલા અધિકાર છે તેટલા જ કર્તવ્ય છે. તેમની એ ભાવનાની આ બૂલંદ પ્રતિમા પ્રેરણા આપતી રહેશે. પૂરી દુનિયામાં આના જેવી પ્રતિમા નથી ત્યારે આજે આખી દુનિયામાં તેને નિહાળવામાં આવી રહી છે. હું સૌને બહેતર ભવિષ્યની કામના કરું છું. આજે આટલા મોટા ઉત્સાહ અને ઉમંગ, એકતાના પ્રેરણાબિંદુ સાથે આપણે ચાલીએ અને બીજાઓને પણ જોડીએ .

સરદાર પટેલ ઝિંદાબાદ દેશની એકતા ઝિંદાબાદ…ના બૂલંદ નારાઓ પોકારાવી પીએમે તેમનું સંબોધન પૂર્ણ કર્યું

 

 

 

પીએમ મોદી વોલ ઓફ યુનિટીના ઉદઘાટન કરી સ્ટેચ્યુ ઑફ યુનિટીના ચરણોમાં વડાપ્રધાન વિશેષ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી. તેમ જ સંગ્રહાલય અને પ્રદર્શન તથા વ્યૂઅર્સ ગેલેરીની મુલાકાત લીધી હતી.. આ ગેલેરી 153 મીટર ઊંચે આવેલી છે અને તેમાં 200 મુલાકાતીઓ સુધીની સંખ્યાનો એકસાથે સમાવેશ કરી શકાય છે.

વધુ તસવીરી ઝલક

પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો મંત્રોચ્ચાર સાથે અભિષેક કરતાં…

પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના હાર્ટ- વ્યૂઅર્સ ગેલેરીમાં…

વિઝીટર્સ બૂકમાં લખ્યો સંદેશ…

અને બપોરે 12.32 સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્મારક સ્થળથી લીધી વિદાય…