અમદાવાદઃ રાજ્યમાં હાલ શાળાઓ શરૂ કરવાને લઈને સરકાર કોઈ વિચારણા નથી કરી રહી. આ અંગે શિક્ષણપ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે સરકાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે વાત કરી રહી છે, અનેક શિક્ષણવિદોનાં મંતવ્ય લેવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગનો અભિપ્રાય પણ લેવામાં આવશે અને એ પછી કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય સમયે નિર્ણય કરવામાં આવશે.
રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પણ બાળકોની પરીક્ષા અંગે હજુ પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યમાં હજી શૈક્ષણિક સંકુલો ફરી ધબકતા થયા નથી ત્યારે આજે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ક્યારેક તો શાળા ચાલુ કરવી પડશે, પરંતુ સરકાર એકલી નિર્ણય કરે એ યોગ્ય નથી. આરોગ્ય વિભાગનો અભિપ્રાય મહત્વનો છે. અમે વાલીઓ, શિક્ષણવિદો સાથે ચર્ચાઓ કરી છે. હું અને શિક્ષણ વિભાગ સતત વાલીઓ અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોની સાથે ચર્ચા અને વેબિનાર કર્યા છે. હવે એ તબક્કો નજીક છે. વેબિનારથી અમે અભિપ્રાય મેળવીએ છીએ.
દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં
ગઈ કાલે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શાળાના સંચાલકો વચ્ચે શાળાઓને લઈ એક વેબિનારનું આયોજન થયું હતું. આ વેબિનારમાં ગુજરાતમાં શાળાઓ ખૂલવા અંગે મોટો સંકેત મળ્યો હતો. રાજ્યમાં ધોરણ 1થી 5 સુધીનાં બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખૂલશે નહીં. દિવાળી વેકેશન પછી ધો. 9થી 12નાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવશે.
ધોરણ 6થી 8નાં બાળકોને છૂટ
આ ઉપરાંત ગ્રામ્યમાં ધોરણ 6થી 8નાં બાળકોને છૂટ આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. એટલું જ નહીં, પણ દિવાળી વેકેશન પણ સરકાર દ્વારા ટૂંકાવી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ પ્રમુખ જતિન ભરાડે જણાવ્યું હતું કે પહેલા તબક્કામાં 9થી 12ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબૂમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા કરવામાં આવશે.
ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે
તાજેતરમાં શાળા સંચાલકોના યોજાયેલા એક વેબિનારમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓ દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે દિવાળી પછી ધો 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઈ શકે છે.
બીજી બાજુ, બાળકોના વાલીઓને આશા હતી કે સરકાર આ વખતે બાળકોને માસ પ્રમોશન આપશે. પણ શિક્ષણ વિભાગે વાલીઓની આ આશા ઉપર પાણી ફેરવી દીધું હતું.
1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ
વાલી મંડળે ધોરણ 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવા માટે પણ અપીલ કરી હતી.