ગુજરાતઃ આઠ બેઠકની પેટા-ચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં

અમદાવાદઃ ગુજરાત રાજ્ય વિધાનસભાની આઠ બેઠકોની પેટા-ચૂંટણીમાં 81 ઉમેદવારો મેદાનમાં ઊતર્યાં છે. આઠ બેઠકોની પેટાચૂંટણી ઉપર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં લિંબડી બેઠક ઉપર સૌથી વધુ 14 ઉમેદવારો મેદાનમાં છે  તો કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર ચાર ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. કચ્છ-અબડાસા બેઠક ઉપર ૧૦ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. આ સાથે મોરબી અને ગઢડા બેઠક ઉપર 12-12 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. અમરેલી-ધારી બેઠક ઉપર 11 ઉમેદવારો વચ્ચે જંગ છે. કરજણ અને ડાંગ બેઠક ઉપર 9-9 ઉમેદવારો મેદાનમાં છે. ગઈ કાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેમાં ગઈ કાલે કુલ 21 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.

53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં

રાજ્ય ચૂંટણી પંચની યાદી મુજબ ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં 53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જેથી મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની હાર-જીત ઉપર આ અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે.

આ અપક્ષ ઉમેદવારો લિંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સૌથી વધુ છે. કુલ 14 ઉમેદવારોમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવારો 11 મેદાનમાં છે. ત્યારે મોરબી બેઠક પર અપક્ષ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસના મત તોડી શકે છે. આવામાં બંને રાજકીય પક્ષો માટે મોરબી બેઠક પરની જીત કપરી બની રહેશે.

કપરાડા  (ST) બેઠક
કપરાડા વિધાનસભા શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ (ST) બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે. કોંગ્રેસમાં ચાર મુદત માટે ધારાસભ્ય રહી ચૂકેલા જિતુભાઈ ચૌધરીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડેલા બાબુભાઈ વરઠાની કોંગ્રેસમાંથી ઉમેદવારી છે. જયેન્દ્ર ગાવિત અને પ્રકાશ પટેલની અપક્ષ ઉમેદવારી છે. આ બેઠક પર કુલ 10 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જેમાં કોંગ્રેસ અનેભાજપના ઉમેદવારો સાથે 3-3 ડમી ઉમેદવારો મળી કુલ આઠ ફોર્મ અને બીજા બે અપક્ષ ઉમેદવારો છે. 

અબડાસા બેઠક
કચ્છની અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. અહીં નવ ઉમેદવારોનાં ફોર્મ પરત ખેંચાયાં છે. ત્યારે હવે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત 10 ઉમેદવારો મેદાને છે.

ધારી બેઠક 
ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી હવે પેટા ચૂંટણીમાં કુલ 11 ઉમેદવારો મેદાને છે.

ગઢડા બેઠક
ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ છે. આ બેઠક પર કુલ 16 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં 3 ફોર્મ કેન્સલ થયાં હતાં અને એક ફોર્મ પાછું ખેંચાયું છે.

મોરબી 
મોરબી માળિયા વિધાનસભા પેટાચૂંટણી માટે ભરાયેલા ફોર્મમાંથી કેટલાંક ફોર્મ પાછાં ખેંચાયાં છે. ત્યારે હવે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના બ્રિજેશ મેરજા, કોંગ્રેસના જયંતિ પટેલ સામે મુખ્ય જંગ છે. તો 10 અપક્ષ ઉમેદવારો પણ છે.

આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મોટો જંગ  છે.  
બેઠક  ભાજપ   કોંગ્રેસ
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા  શાંતિલાલ સેંઘાણી 
ધારી  જેવી કાકડિયા     સુરેશ કોટડિયા 
કપરાડા   જિતુ ચૌધરી  બાબુભાઈ પટેલ
ગઢડા  આત્મરામ પરમાર મોહન સોલંકી 
લિંબડી    કિરીટસિંહ રાણા   ચેતન ખાચર 
મોરબી  બ્રિજેશ મેરજા જયંતી પટેલ 
ડાંગ   વિજય પટેલ  સૂર્યકાંત ગાવિત 
કરજણ  અક્ષય પટેલ  કિરીટસિંહ જાડેજા