અમદાવાદ: અમદાવાદ સ્થિત નોટ-ફોર-પ્રોફિટ સંગઠનો- સાંઈ વિમેન એન્ડ ચિલ્ડ્રન્સ વેલફેર ટ્રસ્ટ અને રોટી બેંક, અમદાવાદ દ્વારા આયોજિત વર્લ્ડ પીસ રેલીની બીજી આવૃત્તિ બુધવાર 20 જુલાઈએ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમમાં સફળતાપૂર્વક પરત ફરી હતી. અમદાવાદના પાંચ દિવ્યાંગ સર્વિસમેન અને અમૃતસરના વધુ પાંચ દિવ્યાંગ સર્વિસમેન આ પીસ રેલીમાં જોડાયા હતા.
સંરક્ષણ દળો, પેરામિલિટરી ફોર્સિસ અને કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓના 10 દિવ્યાંગ સર્વિસમેન (ફરજ પર ચાલુ) આ રેલીમાં જોડાયા હતા. આ રેલી રોડ માર્ગે અમદાવાદથી પાકિસ્તાનમાં આવેલ કરતારપુર અને ભારતના પંજાબમાં આવેલ વાઘા સરહદે થઇને લેહ પહોંચી હતી.
વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાવવા માટે વર્લ્ડ પીસ રેલી-2022ની બીજી આવૃત્તિને પહેલી જુલાઈ, 2022એ અમદાવાદમાં આવેલા ગાંધી આશ્રમમાંથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ નરહરિ અમીને સર્વોદય સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સોમાભાઈ મોદી અને ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાની સાથે ભેગા મળીને આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સાંઈ વીમેન એન્ડ ચિલ્ડ્રન્સ વેલફેર ટ્રસ્ટ અને રોટી બેંક, અમદાવાદના મેનેજિંગ ટ્રસ્ટી બી. એમ. સુદે જણાવ્યું હતું કે અમે અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલમાં પહોંચ્યા હતા અને જલિયાંવાલા બાગની મુલાકાત લીધી હતી, અમે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અમે જ્યાં પણ ગયાં ત્યાં શાંતિનો સંદેશ ફેલાવ્યો હતો.
અમે કારગિલ ગયા હતાં અને ત્યાં શહીદ સ્થળની મુલાકાત લીધી હતી. અમારા સભ્યો અને સહભાગીઓએ કારગિલના કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું તથા શાંતિના પ્રતીક તરીકે અમે ગાંધી સેન્ટર અને ગાંધી લાઇબ્રેરીની સ્થાપના અને ઉદઘાટન કર્યું હતું, એમ તેમણે કહ્યું હતું.
આ સંગઠનની મદદથી શાંતિદૂતોએ 20 દિવસમાં 5000 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો અને આ ટીમ ગાંધી આશ્રમમાં સલામતીપૂર્વક પરત ફરી હતી.
