અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ નેતાઓની પક્ષ બદલવાની કે તડજોડની મોસમ શરૂ થઈ છે. આમ આદમી પાર્ટીમાં ઇસુદાન ગઢવીને મુખ્ય પ્રધાનના ઉમેદવાર બનાવવામાં આવતાં પક્ષના ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અચાનક જ ગઈ કાલ આપ પાર્ટી છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે, બીજી બાજુ ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું છે. તેમણે 32 વર્ષ ભાજપમાં સેવા આપ્યા બાદ હવે રાજીનામું ધરી દીધું છે. આ સાથે 32 વર્ષ કરતાં વધુ વર્ષથી કોંગ્રેસમાં રહેલા સિનિયર નેતા હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાશે.
ભાજપના નેતા જયનારાયણ વ્યાસ લાંબા સમયથી પક્ષથી નારાજ હતા. જેથી તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ હવે તેમની કોંગ્રેસમાં કે આપમાં જોડાવાની અટકળો ચર્ચાઈ રહી છે. તેમણે હાલમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત સાથે મુલાકાત કરી હતી અને ત્યારથી એ અફવા ચાલી રહી હતી કે તેઓ ભાજપ ગમેત્યારે છોડે એવી શક્યતા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી યોગ્ય નિર્ણય કરશે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે અને સિદ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા માટે તેઓ ચૂંટણી લડશે.
AICCના સેક્રેટરી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી આજે રાજીનામું આપશે. તેઓ ટેક્નોક્રેટ સામ પિત્રોડાના અંગત અને નજીકના માનવામાં આવે છે. તેમણે સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે હું કમલમમાં જ ભાજપમાં જોડાઈશ. કારણ કે ગુજરાત ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની મીટિંગ ત્યાં ચાલી રહી છે. એટલે એ લોકોએ મને ત્યાં જ બોલાવ્યો છે. હું સુરેન્દ્રનગરથી ચૂંટણી હાર્યો છું તેમ છતાં પણ ત્યાંના લોકોનાં કામ આજે પણ કરું છું. પરંતુ મને એમ લાગે છે કે ભાજપ સાથે રહીશ તો વધું સારી રીતે કામો કરી શકીશ. મારા પોતાનાં કોઈ સપનાં નથી. મારા માટે કામગીરી મહત્વની છે. જૂથવાદ સાથે મારે કોઈ લેવાદેવા નથી, એમ તેમણે કહ્યું હતું.