વિકસિત ભારત 2047ના સંકલ્પને બજેટથી મળશે નવી ચેતના: CM

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુ છે, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. આ બજેટને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બજેટ બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2025-26ને આવકાર્યું છે. તેમને સોશિયલ મિડીયા X હેડલ પર પોસ્ટ કરી જાણાવ્યું કે “માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરાયેલું બજેટ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના આપતું બજેટ છે.”

વધુમાં તેમણે જણાવ્યું કે “GYAN- ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, આ બજેટ ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે – કૃષિ, MSME, રોકાણ અને નિકાસ.”

વધુમાં તેમણે લખ્યું કે “ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારા આ બજેટ માટે હું માનનીય પ્રધાનમંત્રી અને માનનીય નાણામંત્રીને અભિનંદન આપું છું.”

ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. નાણાપ્રધાને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીની કૃપા વરસાવી છે. તેમણે બજેટમાં જાહેરાત કરી છે કે હવે રૂ. 12 લાખ સીધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે તેમણે ટેક્સ સ્લેબમાં પણ સુધારા કર્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના પ્રારંભમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવા સાથે નેક મોટી યોજનાઓનું એલાન કર્યું હતું. જેમાં PM ધનધાન્ય યોજના વિસ્તરણ અને બિહારમાં ખેડૂતો  માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી.