સૂરતઃ આ વર્ષે સૂરતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યામા 14 ટકાનો વધારો નોંધાયો છે. આવકવેરા વિભાગમાં 2017-18ના નોંધાયેલા કરદાતાઓમાં 1 કરોડથી વધુની આવક દર્શાવનાર સૂરતીઓની સંખ્યા 1004 નોંધાઈ છે.
2 વર્ષથી સૂરતમાં કરોડપતિની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કરોડપતિ કરદાતાની સંખ્યા 1000નો આંક વટાવી ગઇ છે. ચાલુ વર્ષે 10 લાખથી વધુ આવક દર્શાવનારા કરદાતાઓનો પણ વધારો થયો છે. જોકે 1 કરોડથી વધુની આવક દર્શાવનારા પાંચેક વર્ષ પહેલાં મર્યાદિત સંખ્યામાં હતાં તેમાં તોતિંગ વધારો થયો છે.
પાછલાં નાણાકીય વર્ષ 2016-17ની સરખામણીએ વર્ષ 2017-18માં એક કરોડથી વધુ આવક દર્શાવનારાની સંખ્યામાં 14 ટકાનો વધારો નોંધાયો છે. 1004 સૂરતીઓની 1 કરોડ રુપિયાથી વધુ આવક હોવાનું આવકવેરા વિભાગથી જાણવા મળ્યું છે. આ જ રીતે 10 લાખથી વધુ, 25 લાખથી વધુ અને 50 લાખથી વધુ આવક દર્શાવનારાની સંખ્યામાં પણ સારો એવો વધારો નોંધાયો છે.
ટેક્સ નિષ્ણાતોના મતે જીએસટી અને નોટબંધી બાદ ઇનકમ દર્શાવવાનું વલણ વધ્યું છે જેના લીધે કરોડપતિ સૂરતીઓની સંખ્યામાં વધારો થયો છે.