સગાઈમાંથી પરત ફરતા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 7ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

અમરેલીઃ ગત મોડી રાત્રે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પુલ પરથી ટ્રક નીચે ખાબકી હતી. આ ભયંકર અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત થયા હતા અને 25થી વધારે લોકો ઘાયલ થયા હતા.

અમરેલી જિલ્લાના રાજુલાના નિંગાળા ગામ નજીક મોડી રાત્રે ઉનાના સોખડા ગામે સગાઈના પ્રસંગમાં ગયેલ ટ્રક પરત ફરતી વેળાએ નિંગાળાના પુલ પરથી 15 ફૂટ નીચે ખાબકતા 60 લોકો ટ્રક નીચે દબાઇ ગયા હતા. અકસ્માત થતા વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું. તમામ લોકો મહુવાના જાદરા ગામના રહેવાસી છે અને ઉના તાલુકાના સોખડા ગામે આ પરિવાર સગાઈના પ્રસંગે ગયો હતો અને ત્યાંથી પરત ફરતા સમયે આ દર્દનાક અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને જેસીબી અને ક્રેઇન વડે ટ્રક ઉંચો કરવાની કામગીરી કપરી હોવા છતાં પણ અડધી રાત્રે વહીવટી તંત્રએ પોતાની કામગીરી કરી હતી અને વધુમાં વધુ લોકોને બચાવવા માટે સરાહનીય કાર્ય કર્યું હતું.

અકસ્માત થતા જ 108 સહિત સામાજીક સંસ્થાઓ અને અહીંયા આવેલી ઔદ્યોગિક કંપનીઓની 8 જેટલી એમ્બ્યુલન્સ અને અન્ય અનેક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેતા લોકોને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો રાજુલા તાલુકાના તમામ સરકારી ડોક્ટરો અને ખાનગી હોસ્પિટલોની ટીમો સેવા આપવા માટે રાજુલાની હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ એસ.પી.નિર્લિપ્ત રાય સહિત જીલ્લા પોલિસનો કાફલો, અમરેલી એડિશનલ કલેક્ટર, મામલતદાર, ઘારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના લોકો અકસ્માતનો ભોગ બનેલા લોકોની મદદે આવી પહોંચ્યા હતા.

 

ભાવનગર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નામ

1.કેસરબેન સમજીભાઈ બારૈયા, ઉમર 50 વર્ષ, રહેવાસી નવા જાદરા તાલુકો મહુવા જીલ્લો ભાવનગર

2.જયસુખભાઇ રમેશભાઈ સિંધવ, રહેવાસી માળીલા, ઉમર 17

3.સમજુબેન અરજનભાઇ, ઉમર 50, રહેવાસી કાવેરી

4.ભાનુબેન રમેશભાઈ, રહેવાસી માળીલા, ઉમર 36

5.ભરતભાઈ લાખાભાઇ, ગામ મોટા જાદરા, ઉમર 30

6.હરેશભાઇ રમેશભાઈ, ગામ માળીયા, ઉમર 12

7.શોભાબેન રમેશભાઈ, માળીયા, ઉમર 14