ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ

રાજકોટઃ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિયો ટસના મસ નથી થતા. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. વિવાદ વકરતા જ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માગી છે, પણ ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે.

ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યો છે.  અમદાવાદમાં રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જોકે આજની આ બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજૂર નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.’

રૂપાલા ટિકિટ પરત ખેંચે : કરણસિંહ

કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે  આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે, હવે મેદાન માત્ર રાજકોટ નથી ગુજરાત રહેશે. રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતી કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે.

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે  ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. હવે બીજી કોઈ બેઠક નહીં થાય. સંકલન સમિતીના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે. અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતીએ એક સ્વરમાં ફગાવી છે.