‘અમદાવાદના રાજા’ અહીં છે બિરાજમાન

ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ભક્તોમાં બાપ્પાની પૂજા-અર્ચનામાં લીન થઈ ગયા છે ત્યારે આજે દાદાની ભક્તિના ત્રીજા દિવસે વાતકરીએ..અમદાવાદના રાજાની.

સમગ્ર દેશમાં મુંબઈમાં બિરાજતા ‘લાલબાગ ચા રાજા’ની ગણેશ પ્રતિમાનું અનેરૂ મહત્વ છે. ત્યારે વાત છે અમદાવાદમાં સહજાનંદ કોલેજ પાસે સ્થાપિત કરવામાં આવેલી વિશાળ ગણેશ પ્રતિમા ‘અમદાવાદના રાજા’ની.  અહીં 10 દિવસ માટે સ્થાપિત થતા ગણપતિ આ ગણપતિ અમદાવાદ કા રાજા તરીકે જાણીતા છે. છેલ્લા 17 વર્ષથી અમદાવાદ કા રાજાની સ્થાપના કરવામાં આવે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાતકરતા મિત દોશી કહે છે, અમે હર્ષોલ્લાસ સાથે બાપ્પાને દર વર્ષે પંડાલમાં બિરાજમાન કરીએ છીએ. આ વર્ષે પણ સાત ફૂટની બાપ્પાની મૂર્તિનું સ્થાપન કર્યુ છે. પંડાલાના ડેકોરેશન વિશે વાત કરતા મિત દોશી કહે છે, અમારા ત્યાં બિરાજમાન દૂંદાળા દેવ રાજ દરબારમાં બેઠા હોય એવી એમની આભા લાગે છે. મારા પિતાજી આનંદ દોશી વર્ષોથી ગણેશત્સવ કરે છે. શહેરમાંથી લોકો ઉમળકાભએર દાદાના દર્શન કરવા આવે છે.

સહજાનંદ કોલેજ પાસે સ્થાપિત દાદાના પંડાલા માટે લોકફાળો લેવામાં નથી આવતો. ભાવિકો પોતાની ઈચ્છાથી દાદના ચરણોમાં પ્રસાદી ઘરે છે. પહેલા પંડાલામાં દસ દિવસ કાર્યક્રમો ચાલતા હતા પરંતુ હવે મહા આરતીનું આયોજન કરવામાં આવે છે.

પર્યાવરણનું ધ્યાન રાખીને દર વર્ષે માટીની એટલે કે ઇકોફ્રેન્ડલી પ્રતિમાનું જ સ્થાપન કરવામાં આવે છે. દસ દિવસ બાપ્પાની પૂજા, આરાધના કરીને રિવરફ્રન્ટ પર વાજતે ગાજતે ઢોલ નગારા અને ગણપતિ બાપ્પા મોરિયાનાનાદ સાથે વિસર્જન થાય છે.

પ્રજ્ઞેશ વ્યાસ