રાજકોટઃ રાજકોટ ગેમિંગ ઝોનમાં મોટી સુરક્ષા ખામીઓ સામે આવ્યા પછી હાઇકોર્ટે સોમવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આકરી ફટકાર લગાવી છે. આ ભીષણ આગમાં 27થી વધુ લોકોનાં મોત થયાં હતાં. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની વિશેષ ખંડપીઠે રાજ્ય મશીનરીમાં વિશ્વાસનો અભાવ દર્શાવતાં સવાલ ઉઠાવ્યો હતો કે કોર્ટના આદેશો છતાં આવી દુર્ઘટના કેવી રીતે બની શકે?
હાઇકોર્ટે કહ્યું હતું કે ગેમઝોનના અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ RMC કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી વહીવટ તંત્રની છે. RMCએ હાઈકોર્ટના હુકમોનું પાલન કર્યું નથી. આ અધિકારી સામે પગલાં લઈ સરકાર તેમને સસ્પેન્ડ કરે. સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, રાજકોટ સિવિલ હોસ્પિટલ પર હોબાળો કરવામાં આવ્યો હતો. સ્વજનોની ભાળ મેળવવા રાહ જોઇ રહેલા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ત્રણ દિવસ વીત્યા છતા ગુમ થયેલાઓની ભાળ ન મળતા પરિવારજનો ગુસ્સે થયા હતા. તાત્કાલિક જવાબ આપવાની પરિવારજનોએ માગ કરી હતી. અમને ક્યારે જવાબ મળશે તેવો પરિવારજનોએ સવાલ કર્યો હતો.
મૃતકોના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. મીડિયાની વાત ન માનવાની રાજકોટ પોલીસ વાતો કરી રહી છે. ઈમરજન્સી નંબર પર સંપર્ક કરવાની રાજકોટ પોલીસે અપીલ કરી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોનું મિસિંગ લિસ્ટ છે.
રાજકોટ અગ્નિકાંડને લઈને મુખ્ય મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ જવાબદાર છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં આસિસ્ટંટ ટાઉન પ્લાનર અને આસિસ્ટંટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.