ગુજરાતના ગામડાઓમાં અંધશ્રદ્ધાના કેસો હજુ પણ અટકવાનું નામ લેતા નથી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાનેજ ગામમાં એક 5 વર્ષીય બાળકીની ભુવાએ બલી ચઢાવી હોવાનો ચોંકાવનારું મામલો સામે આવ્યો છે. આરોપી ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરીને આ કામ કર્યુ છે. આરોપીએ પોતાના ઘરના સામે જ રહેતી 5 વર્ષની બાળકીની હત્યા કરી દેવાતા ગામમાં રોષની લાગણી જોવા મળી છે.
છોટાઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામના ભૂવાએ ક્રૂરતાની હદ વટાવી છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલિ ચઢાવી હોવાની ઘટના સામે આવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. જોકે, આ ભૂવો ત્યાં સુધી અટકાયો નહતો અને અન્ય બલિ માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલિ ચઢાવવાનું કાવતરૂ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન ગામમાં રહેતાં સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાનો અણસાર આવી જતાં તેઓએ તાત્કાલિક ધોરણે પોલીસને બોલાવી બાળકનો જીવ બચાવ્યો હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની ટીમે આસપાસના લોકોના નિવેદન લઈને પંચનામું પણ કર્યુ છે. બાળકીના મૃતદેહને મામલતદારની હાજરીમાં પીએમ માટે મોકલી આવ્યો. તો પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. જણાવી દઈએ કે વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.
