અમદાવાદઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત ભાવવધારા સામે લોકોનો આક્રોશ વધતો જાય છે અને કેન્દ્ર સરકાર પર એકસાઇઝ સહિતનો ટેક્સ ઘટાડવા માટે ભારે દબાણ થઈ રહ્યું છે. આને પગલે મોદી સરકારે ભાજપ શાસિત રાજ્યોને વેટમાં ઘટાડો કરવા માટે નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકાર પણ ઇચ્છે છે કે કમસે કમ પેટ્રોલ અને ડીઝલ લિટરદીઠ રૂા. બેથી ત્રણ સસ્તું થાય એ રીતે વેટ ઘટાડીને લોકોને હાલ રાહત આપી શકાય એમ છે.
બીજી બાજુ રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય જનતાને રાહત મળે એને લઈને વિચારણા ચાલી રહી છે. સરકાર પટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતાં વેટને 30 ટકા સુધી ઘટાડવા પર વિચારણા કરી રહી છે. આ ઉપરાંત વીજળીના પ્રતિ યુનિટ ફ્યુઅલ ચાર્જમાં પણ સરકાર ઘટાડો કરે એવી શક્યતા છે. વીજળીના ફ્યુઅલ ચાર્જ પ્રતિ યુનિટ સાડાપાંચ રૂપિયાથી ઘટાડીને ચાર રૂપિયાની આસપાસ સરકાર રાખે એવી શક્યતા છે. વર્ષ 2017માં રાજ્ય સરકારે ચાર રૂપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. હાલ પેટ્રોલ અને ડીઝલ પર રૂ. 20 રૂપિયા વેટ અને રૂ. 4 રૂપિયા સેસ લાગે છે, આમ કુલ 24 રૂપિયા જેટલો ટેક્સ વસૂલવામાં આવે છે, જેમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા છે.
કેન્દ્ર સરકારનું માનવું છે કે રાજ્યનો રસીકરણનો મોટો ખર્ચો કેન્દ્ર સરકારે ઉપાડી લીધો છે, જેથી રાજ્યના રૂ. ચારથી પાંચ હજાર કરોડ બચી ગયા છે. જેથી રાજ્યોએ એ બચત પેટ્રોલ, ડીઝલની કિંમત ઘટાડામાં કરવી જોઈએ. હવે આ અંગે એકાદ-બે દિવસમાં નિર્ણય લેવાય તેવી શકયતા છે.