દેવોનો દેવ મહાદેવ આમ તો ખુબ સરળતાથી પ્રાપ્ત છે. શુદ્ધ ભાવ પણ મહાદેવને પ્રસન્ન કરે છે. ભરૂચ જીલ્લાના કાવી ગામના માછીમારોને માછીમારી દરમિયાન એક મહાકાય શિવલિંગ મળી આવતા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું. શિવલિંગના દર્શન માટે લોકોએ ભીડ લગાવી હતી.
આખી વાત જાણે એમ છે કે ગુરુવારની વહેલી સવારે મળસ્કે જંબુસર તાલુકાનાં કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ માછીમારી માટે ગયા હતા. કાવી બંદરથી જે જગ્યાએ માછલી પકડવા જાય એને એ જળદેવી કહે છે. આ જળદેવી સ્થાન પર જાળ પાથરી હતી. ધીરે ધીરે પાણી ઓસર્યું અને બધા જાળ સમેટવા લાગ્યા ત્યારે બુધાભાઈની જાળમાં એને પીપ જેવુ કઇક ફસાયું હોવાનું લાગ્યું. બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢયું. બાદમાં જમીન પર મૂકીને ઊચકી જોતાં તે ઉચકાયું નહીં. નિરીક્ષણ કરતા શિવલિંગ આકારનું જણાતા શિવજીના જયનાદ સાથે ૧૨થી વધુ લોકોએ ઊંચકી એને બોટમાં લીધું. અને કાવી બંદરે પહોંચ્યા. જ્યાં કમલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગને રાખવામાં આવ્યું છે.”
શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવ ભક્તોની ભીડ જામી હતી. લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરતા શેષ નાગ, શંખ અને મુર્તિ જોવા મળી હોવાનું ભક્તો કહી રહ્યા છે. અનોખુ શિવલિંગ જોતાં જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા.આ સાડા ત્રણ ફૂટ જેટલું શિવલિંગ સ્ફટિક પથ્થર માંથી બન્યું હોવાનું તેમજ કાવી કંબોઈમાં સ્તંભેશ્વર મહાદેવના શિવલિંગ જેટલું જ ઊંચું અને વજનદાર શિવલિંગ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મળી આવેલા a શિવલિંગનું વજન દોઢ ક્વિન્ટલ આસપાસ હોવાનું કાલીદાસ ભાઈ કહે છે.
(અરવિંદ ગોંડલીયા, સુરત)