શહેરમાં કોરોનાના કેસો વધતાં ટેસ્ટિંગ માટે કતારો જોવા મળી

અમદાવાદઃ શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારાને પગલે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિનામૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરાવાના મંડપો બનાવવામાં આવ્યા છે. આ મંડપોમાં તાત્કાલિક રિપોર્ટ પણ આપી દેવામાં આવે છે. આજે સવારથી જ કેટલાક કોરોના ટેસ્ટ કરતાં સેન્ટરો પર ભારે ભીડ જોવા મળી હતી.

શહેરના બગીચાઓ, વેપારથી ધમધમતા કોમ્પલેક્સના પરિસર કે જાહેર માર્ગો પર મહાનગરપાલિકા દ્વારા મંડપો તૈયાર કરી ત્વરિત પરિણામ આપતા કોરોના ટેસ્ટિંગ કરાવાનું શરૂ કર્યું છે. કેટલાક વિસ્તારોમાં આ મંડપો કાગડા ઊડતા હોય છે. તો ક્યાંક જાગ્રત નાગરિકો સામેથી જ ચેકઅપ કરાવવા આવી જાય છે. જોકે આજે વહેલી સવારથી જ ઘાટલોડિયા પ્રભાત ચોક, યુનિવર્સિટી જેવા અનેક સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોનાનો રિપોર્ટ કઢાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધતાં જ લોકો વહેલી સવારથી જ AMCએ  તૈયાર કરેલા આ ડોમમાં તાત્કાલિક રિપોર્ટ કરાવવા મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

આ ઉપરાંત શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શહેરમાં દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉપરોક્ત નિર્ણયનો અમલ તાત્કાલિક કરવાનો રહેશે. આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્ર 10.00 વાગ્યા પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે જેમાં દવાની દુકાનો અપવાદ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]