શાંતિ બિઝનેસ સ્કૂલમાં ૯મો દીક્ષાંત સમારંભ ઓનલાઇન યોજાયો

અમદાવાદઃ અમદાવાદસ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા “શાંતિ બિઝનેસ સ્કૂલ” (એસબીએસ) દ્વારા ૨૦૧૮-૨૦૨૦ની બેચના “પીજીડીએમ” અને “પીજીડીએમ-સી”ના  વિદ્યાર્થીઓ માટે ૯મો દીક્ષાંત સમારંભ ઓનલાઇન યોજવામાં આવ્યો હતો. કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઓનલાઇન રાખવામાં આવેલા આ દીક્ષાંત સમારંભમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર ૨૦૧૮-૨૦૨૦ બેચના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમનાં માતાપિતા અને વર્તમાન બેચના વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભાગ લીધો હતો.

આ દીક્ષાંત સમારંભમાં કુલ ૧૪૨ વિદ્યાર્થીઓએ તેમના માર્કેટિંગ, એચ.આર, ફાઇનાન્સ, કોમ્યુનિકેશન તેમ જ અન્ય વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના બધા જ વિદ્યાર્થીઓનુ યોગ્ય પ્લેસમેન્ટ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાતા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  ઉપસ્થિત રહેલા સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રોવોસ્ટ અને લાલભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદના ડિરેક્ટર પ્રો. ત્રિદિપ સુહરુદે તેમના વક્તવ્યમાં કહ્યું કે “રોગચાળાને કારણે છેલ્લા કેટલાક મહિના દરમ્યાન ઉદભવેલી કઠિન પરિસ્થતિ અને લોકડાઉને આપણને મેનેજમેન્ટના પાઠ જેમ કે “કેવી રીતે અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરવો?”, “ઓછા સંસાધનોથી કેવી રીતે નિર્વાહ કરવો?”વગેરે શીખવ્યા છે. તેમણે “ન્યુ નોર્મલ”ને સફળતાપૂર્વક લાગુ કરવા બદલ “એસબીએસ”ના નેતૃત્વને અભિનંદન આપ્યાં હતાં.”

એકેડમિક એક્સલન્સ માટેનો સુવર્ણચંદ્રક હર્ષિતા ગોડાવતને

આ કાર્યક્રમમાં એકેડમિક એક્સલન્સ માટેનો સુવર્ણચંદ્રક હર્ષિતા ગોડાવતને આપવામાં આવ્યો હતો અને ૨૦૨૦ની બેચના શ્રેષ્ઠ વિદ્યાર્થીની ટ્રોફી ગૌતમ સરકારને એનાયત કરવામાં આવી હતી. બ્રિજમોહન, ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ, દીક્ષાંત સમારોહના અધ્યક્ષ સ્થાને હતા. “શાંતિ બિઝનેસ સ્કૂલ”ના  ડિરેક્ટર ડો નેહા શર્માએ પુરસ્કારો મેળવનારા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં હતાં તેમ જ વિદ્યાર્થીઓને  ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ કામનાઓ આપી હતી અને  ડિપ્લોમા પ્રાપ્ત કરવા માટે વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા બદલ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.