ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બાદ આજે પ્રથમ રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં કેન્દ્રમાં N.D.A. ગઠબંધનની સરકાર બનતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા સમગ્ર ગુજરાત વતી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતને વિશ્વ ગુરૂ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસીત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પપૂર્તિ માટે કટિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિકાસ માટે અવિરતપણે સેવારત રહે તે માટે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રચાયેલા ભારત સરકારના નવા મંત્રી મંડળમાં ગુજરાતના બે રાજ્યસભાના સાંસદ અને ૪ લોકસભાના સાંસદને સ્થાન મળ્યું છે, તે ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં દેશના નાગરિકોએ ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશભરમાં ૨૯૨ લોકસભા બેઠકો પર NDA ગઠબંધનને જંગી વિજય અપાવી છે. ગુજરાતની જનતાએ પણ પોતાના અમૂલ્ય વોટ આપીને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર પ્રત્યે પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે, જેથી ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.