વડોદરાઃ વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ સંકુલ ખાતે 16થી 19 જૂન 2022 દરમિયાન આયોજિત નેશનલ ઓપન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપનમાં અમદાવાદના દસક્રોઈનાં શિક્ષિકા દર્શના પટેલે રાષ્ટ્રીય સ્તરની ચક્ર ફેંક અને હેમર થ્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ચક્ર ફેંકમાં ગોલ્ડ મેડલ અને હેમર થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ અંગે વાત કરતા દર્શના પટેલે જણાવ્યું હતું કે, ‘મને બાળપણથી જ સ્ટેટ કક્ષાએ અઢળક મેડલ્સ જીત્યા પછી નેશનલ કક્ષાએ પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન હતું અને સતત પાંચ વર્ષ સુધી અથાગ મહેનત અને પરિશ્રમ કર્યા પછી આ સિદ્ધિ પ્રાપ્ત થયાનો અને ગોલ્ડ મેડલ જીત્યાનો ખૂબ જ આનંદ છે. આગામી નેશનલ સ્તરની સ્પર્ધાઓમાં હજુ વધારે સારો પર્ફોર્મન્સ આપવા માટે હજુ પણ વધારે મહેનત કરીશ. મારાં પરિવારનો પણ મને સતત સપોર્ટ મળતો રહ્યો છે અને આ સપોર્ટને કારણે જ હું આજે આ સિદ્ધિ હાંસલ કરી શકી છું.’
અત્રે ઉલ્લેખનીય છે કે, દર્શના પટેલ ઘણી બધી નેશનલ ગેમ્સ રમી ચૂક્યાં છે. 2021માં ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ વર્ષે 2022માં ફરી એકવાર પોતાની અવિરત પરિશ્રમ અને પોતાના દૃઢ આત્મવિશ્વાસના કારણે રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ જીતી ફરી એકવાર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ તેમજ અનેક લોકોને રમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે હંમેશાં પ્રોત્સાહિત કરીને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યાં છે.