અદાણી ફાઉન્ડેશનના પ્રયાસો રંગ લાવ્યા, માછીમારનો દીકરો મિકેનિકલ એન્જિનીયર બન્યો

મુંદ્રાઃ અદાણી વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા માછીમારના દીકરા શકીલને 10મા ધોરણમાં 78 ટકા માર્ક આવ્યા ત્યારે તેના પરિવારમાં ભારે ખુશાલી વર્તાઈ રહી છે. આ પરિવારમાં શાળાનો અભ્યાસ પૂરો કરવો તે મોટી વાત છે. શકીલે ભણતર ચાલુ રાખ્યું અને મિકેનિકલ એન્જીનીયરીંગમાં ડિપ્લોમા મેળવી APSEZમાં નોકરી હાંસલ કરી તેનાથી માત્ર તેના પરિવાર જ નહી પણ માછીમાર સમુદાય પણ ખુશ છે કારણ કે આટલો અભ્યાસ કરનાર માછીમાર સમુદાયનો એ પ્રથમ વિધાર્થી છે.

શિક્ષણથી નોકરી સુધીની શકીલની લાંબી મજલમાં અદાણી ફાઉન્ડેશને મોટું યોગદાન આપ્યું છે. મુંદ્રાથી 20 કિ.મી. દૂર ભદ્રેશ્વર તીર્થ ખાતે આવેલું અદાણી વિધામંદિર નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોનાં બાળકોને વિનામૂલ્ય શિક્ષણ પૂરું પાડે છે. આ શાળાના શિક્ષણનો લાભ અનેક પરિવારોને મળ્યો છે. શકીલ આ વિકાસ પ્રક્રિયાનું નેત્રદીપક ઉદાહરણ છે. શકીલના પિતા ગનીભાઈ પગડીયા માછીમાર છે અને 8 સભ્યોના પરિવારમાં તે એક માત્ર કમાતી વ્યક્તિ છે. આર્થિક રીતે પછાત પરિવારના શકીલને અદાણી વિદ્યામંદિરમાં પ્રવેશ મળ્યો ત્યારે તેના પિતાને સ્વર્ગના દરવાજા ખુલી જવા જેવી આનંદની લાગણી થઈ હતી.

શકીલને APSEZ – મુંદ્રાના રક્ષિત શાહ પાસેથી પોતાની પ્રથમ નોકરીની નિમણૂક પત્ર મળ્યો ત્યારે ગનીભાઈની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં હતાં. તેમણે કહ્યું કે “ભદ્રેશ્વરની પવિત્ર ભૂમિ કે જ્યાં અદાણી વિધામંદિરનું નિર્માણ થયું છે ત્યાંથી અમારા મુંદ્રા વિસ્તાર માટે આવા તેજસ્વી શકીલ જોવાનું શકય બનશે!”

રક્ષિત શાહ જણાવે છે કે આર્થિક રીતે પછાત સમુદાયના પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓમાં ભણતર માટેનો આત્મવિશ્વાસ ઉભો થાય તે ખૂબ જ આવકાર્ય બાબત છે. શકીલનું ઉદાહરણ અનેક વિધાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યુ છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ હવે પછી પણ તેજસ્વી લોકોને પારખીને આગળ લાવવાની કામગીરી ચાલુ રાખશે. અદાણી ફાઉન્ડેશન મુંદ્રા અને આસપાસના વિસ્તારોના વંચિત સમુદાયોના ઉત્કર્ષમાં ખાસ ધ્યાન આપે છે. લોકપ્રવાહથી અળગા પડી ગયેલા અને પોતાની આજીવિકાને કારણે સાગરકાંઠાને જ પોતાનું આશ્રય સ્થાન બનાવીને વસવાટ કરતા લોકોને નિવાસ સહિતની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તથા તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાની કામગીરી અદાણી ફાઉન્ડેશન કરી રહ્યું છે. શકીલના ઉદાહરણથી આ સમુદાય તો ખુશખુશાલ છે અને અન્ય પરિવારો પણ શિક્ષણ, અન્ય સમાજ સાથે જોડાણ અને તે માટેના પ્રોત્સાહનનું મહત્વ સમજાય છે. સાથે સાથે પૂરા સમુદાયમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકે તેવો આશાવાદ પેદા થાય છે. અદાણી ફાઉન્ડેશનનો માછીમારો જેવા સમુદાયોના વર્ગને બેઠો કરવા સતત પ્રયાસ કરે છે. ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ આ સમુદાયનું જીવનધોરણ ઉંચુ લઈ જવાનો છે. એના ભાગરૂપે ફાઉન્ડેશન સતત આ વિસ્તારોમાં શિક્ષણ, ગ્રામીણ આરોગ્ય, સાતત્યપૂર્ણ આજીવિકા અને માળખાકીય સુવિધાઓ વગેરે માટે સતત કાર્યરત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]