યુવતીઓએ જળકુંભીમાંથી બનાવ્યાં ઉત્પાદનોઃ 100 મહિલાઓને રોજગારી

ગુવાહાટીઃ જીવનમાં આવતી મુશ્કેલીઓ તમને તક આપે છે. આવી મુશ્કેલીઓમાં કાં તો માણસ તૂટી જાય છે અથવા એ મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને સફળતાના શિખર સર કરે છે. આસામના પરિવારની યુવતીઓએ જળકુંભીમાંથી એવો રસ્તો શોધ્યો કે સંપૂર્ણ ગામની જિંદગી પાટે ચઢી ગઈ છે. આસામના ગુવાહાટીના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત દીપોર બીલ નામનું સરોવર છે.

આસામના દીપોર બિલ નામનું સરોવર મીઠા પાણી અને વિદેશી પક્ષીઓ માટે જાણીતું છે. આ સરોવર પર 100 વર્ષોથી કેટલાય માછીમારોનું જીવન નિર્ભર છે, પણ જળકુંભીને કારણે તેમને કેટલીય મુસીબતોનો  સામનો કરવો પડતો હતો. એ સાથે સરોવરની ઇકો સિસ્ટમ પણ બગડતી હતી.

આ મુસીબતમાંથી માર્ગ કાઢવા માટે માછીમારના પરિવારની છ યુવતીઓએ જળકુંભીની ફાઇબરની બેગ, બાસ્કેટ, કુશન કવર અને બાયોડિગ્રેડબલ યોગા મેટ સહિત 18 ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનો બનાવી રહી છે. આ ઉત્પાદનોને દેશ-વિદેશની અનેક જગ્યાએ પસંદ કરવામાં આવી રહી છે. વળી, આ યુવતીઓએ ગામની 100થી વધુ મહિલાઓને રોજગારી પણ આપે છે.

જળકુંભીને સૌથી પહેલાં બ્રિટિશ ગવર્નરનાં પત્ની લેડી હેસ્ટિંગ્સ ભારત લઈને આવ્યાં હતા, પણ આજે કેટલાં સરોવરો અને તળાવો માટે એ મુસીબતનું કારણ બની ગઈ છે. જળકુંભીને કારણે સરોવરની માછલીઓ અને અન્ય જીવો મરી જાય છે.

અહીંના લોકો પહેલાં પણ જળકુંભીમાંથી અનેક ચીજવસ્તુઓ બનાવી લેતા હતા, પણ આ યુવતીઓનો રસ જોતાં નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેક્નોલોજી એપ્લિકેશન એન્ડ રિચ (NECTAR)એ ઘણી મદદ કરી છે. NECTARએ જળકુંભીમાંથી ઉત્કૃષ્ટ ઉત્પાદનો બનાવવા માટે આ યુવતીઓને ટ્રેનિંગ અને લૂમ્સ પણ આપી છે.

જળકુંભીની મુસીબતમાંથી છુટકારો મેળવવા માટે મિતાલી દાસ, મૈનુ દાસ, સીતા દાસ, મમોની દાસ, રૂમી દાસ અને ભનિતા દાસે પહેલ કરી હતી.