અમદાવાદઃ દેશમાં ઝડપથી વધતા શહેરીકરણથી કોન્ક્રીટનાં જંગલો ઊભાં થઈ રહ્યાં છે, જેથી સરેરાશ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં વર્ષ 2030 સુધીમાં સામાન્ય તાપમાનમાં 0.81 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાનો અંદાજ સંશોધકોએ વ્યક્ત કર્યો છે. જોકે તાપમાનમાં થનારા આ વધારાને કારણે વીજમાગમાં બમણો વધારો થશે, કેમ કે પરિવારોના એસીના વપરાશમાં વધારો થશે. આમ સામાન્ય જનતાના બજેટમાં વધારો થશે.સંશોધકોએ દાવો કર્યો હતો કે 2030 સુધીમાં વીજમાગ વધીને 8001 ગિગાવોટ્સ કલાક (GWh) થશે, જે વાર્ષિક 14,744 GWh થશે. આ અભ્યાસ રાજ્યની ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH)- ગાંધીનગર, અમેરિકાની નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલ (NRDC) અને USની કોલમ્બિયા યુનિવર્સિટીની મેઇલમેઇન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થે સંયુક્ત રીતે હાથ ધર્યો હતો.
સંશોધકોએ દાવો કર્યો હતો કે તાપમાન થનારા વધારાને કારણે સરેરાશ કુલિંગની માગમાં નાટ્યાત્મક રીતે વધારો થશે. તાપમમાન વધારાને પગલે રેફ્રિજરેટર, કોલ્ડ ચેઇન અને અન્ય ઉદ્યોગોને કુલ રાખવાની પ્રક્રિયા માટે વીજમાગમાં નોંધપાત્ર વધારો થશે. આ વીજમાગ 2030 સુધીમાં અંદાજે 1460 GWhનો વધારો થશે અને વાર્ષિક ધોરણે 4050 GWhનો વધારો થશે.
ચાલુ વર્ષે 11 મેએ અમદાવાદનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, એ દિવસે તાપમાન છેલ્લાં છ વર્ષમાં સૌથી વધુ 45.8 ડિગ્રી નોંધાયું હતું. અભ્યાસમાં અંદાજ બાંધવામાં આવ્યો છે કે વાર્ષિક ધોરણે વીજમાગમાં 210 GWhનો ઘટાડો થાય તો કાર્બન ડાયોક્સાઇડના પ્રદૂષણમાં 1.19 લાખ મેટ્રિક ટનનો ઘટાડો થાય એમ છે.