અમદાવાદ– સોફ્ટ હિન્દુત્વનો નવો રોટલો ગુજરાત ઇલેક્શન વખતે ઘડાઇ ગયો છે જેને શેકવા માટેની પૂર્ણ તૈયારી કોંગ્રેસે કરી લીધી છે. મુસ્લિમ તુષ્ટિકરણના આક્ષેપોનો માર ખાતી કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતના ગામડાંઓમાં ચાર રસ્તે આવેલાં રામમંદિરોમાં જશે અને પૂજા કિટનું વિતરણ પણ કરશે.
ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના 28 મંદિરોમાં માથું નમાવ્યું હતું જેનો લાભ સારી સંખ્યામાં બેઠકો જીતવામાં મળ્યો પણ ખરો. ચૂંટણી ન જીતી શક્યાં પણ શરમજનક હારથી બચી શક્યાં. જેથી કોંગ્રેસ હવે ગુજરાતમાં મંદિરની રણનીતિને આગળ વધારવાનો નિર્ણય લઇ ચૂકી છે.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ ફાયદો થયો છે ત્યાં સોફ્ટ હિન્દુત્વની ફોર્મ્યૂલા મુજબ સૌરાષ્ટ્રના 148 ગામડાંના રામમંદિરોના કાયાકલ્પ માટે શ્રીરામ સૂર્યોદય સંધ્યા આરતી સમિતિ ગઠન કર્યું છે, જેના દ્વારા કોંગ્રેસ તરફથી પૂજા કિટ આપવામાં આવશે. કોંગ્રેસ કાર્યકર્તાઓ ઓછાં લોકો જતાં હોય તેવા મંદિરોમાં સવારસાંજ સપ્તાહમાં 14 વાર આરતી અને પૂજન કરશે.
કોંગ્રેસ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યાં પ્રમાણે પૂજા કિટ અને આરતીમાં ઉપયોગમાં લેવાનારા શંખ, ઝાલર, નગારું સહિતની ચીજો હશે અને તે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓને આપવામાં આવશે. શંખ સોમનાથથી, જસદણથી ડ્રમ અને ભાવનગરથી સજાવટની વસ્તુઓ મંગાવી લેવાઇ છે.
પરેશ ધાનાણીએ આ સંદર્ભે રાહુલ ગાંધી સાથે ચર્ચા પણ કરી છે. હિન્દુત્વની ભાજપની છાપમાં ખાંચો પાડી કોંગ્રેસ હિન્દુઓને રાજી કરી જડ જમાવવા માગે છે. ધાનાણીએ જણાવ્યાં પ્રમાણે સંઘ અને ભાજપ હિન્દુહિતૈષી હોવાનો દાવો કરે છે પરંતુ તેમણે હિંદુ પરંપરાઓને આગળ વધારવા માટે કામ કર્યું નથી. કોંગ્રેસ આ રણનીતિ દ્વારા 2019 લોકસભા ચૂંટણીઓમાં ઉતરવા માગે છે જેથી વિધાનસભાની જેમ જ લોકસભામાં લાભ મળી શકે.