અમદાવાદઃ નારણપુરામાં વરદાન ટાવરમાં આગ, 4ના મોત, બે ઈજાગ્રસ્ત

અમદાવાદ– નારણપુરા વિસ્તારમાં આવેલ વરદાન ટાવરમાં કિરાણા સ્ટોરમાં આગ લાગી હતી, જેમાં એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોત થયા છે, અને 2 વ્યક્તિઓને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના નારણપુરામાં આવેલ વરદાન ટાવરમાં કિરાણા સ્ટોરની પાછળની રૂમમાં આ પરિવાર સુઈ ગયો હતો. આગ લાગતાં તેઓનું ગુગળામણને કારણે મોત થયા છે. ફાયરબ્રિગેડને આગનો કોલ મળતાં તેમણે ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી. વરદાન ટાવરમાં ફાયર સીસ્ટમ હોવા છતાં તે ઓપરેટ કરી શકાય તેવી સ્થિતીમાં ન હતી, ફાયર સેફટી સીસ્ટમ હોવા છતાં વરદાન ટાવરના રહિશોને તેને ઓપરેટ કેવી રીતે કરવી તે ખબર ન હતી, જેને કારણે આ ઘટનાએ વિકરાળ સ્વરૂપ લીધું હતું.વધુ જાણવા મળ્યા મુજબ કિરાણા સ્ટોર્સની પાછળની રૂમમાંથી એલપીજી ગેસની બોટલ અને સગડી મળી આવી હતી. એવું કહેવાય છે સવારે પરિવાર ઉઠીને ગેસ ચાલુ કર્યો હતો, ત્યારે ગેસ લીકેજ થવાની કારણે આગ લાગી હોઈ શકે છે. ફાયર બ્રિગેડની ટીમે ગેસની બોટલ બહાર કાઢી ત્યારે ગેસની બોટલ પરનું રેગ્યુલેટર ઑન હતું.(તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)