તા 3 ઓક્ટોબરના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં પ્રદાન વિષયક કાર્યક્રમ યોજાઇ ગયો.
આ કાર્યક્રમ તા,8 ઓક્ટોબર, 2023 ના રોજ અક્ષરધામ મહામંદિરના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે, 30 સપ્ટેમ્બરથી ઉજવાઇ રહેલાં વિશિષ્ટ કાર્યક્રમોની હારમાળાના એક ભાગ રૂપે યોજવામાં આવ્યો હતો.
સમાજમાં સંસ્કાર,સેવા અને સંસ્કૃતિ જાળવી રાખવામાં નારીશક્તિના અમૂલ્ય પ્રદાન અને તે માટે અક્ષરધામ કઈ રીતે પ્રેરણારૂપ બની રહ્યું છે, તે કેન્દ્રવર્તી વિચાર સાથે અનેકવિધ પ્રસ્તુતિઓ અને સ્વાનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.
વિવિધ વયની લગભગ 43 મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સિમ્ફની સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી, ત્યારબાદ 200 થી યુવતીઓ અને મહિલાઓ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં ભારતીય નૃત્યના ઉત્તમ સ્વરૂપ ભરતનાટ્યમનો પણ સમાવેશ થાય છે.
અક્ષરધામમાં સેવા કરનાર અનેકવિધ મહિલાઓએ સેવા દ્વારા દ્વારા સહાનુભૂતિ, નમ્રતા, સામાજિક ઉત્તરદાયિત્વ જેવી અનેક ઉદાત્ત ભાવનાઓના સિંચન સાથે જીવનઘડતરની સ્વાનુભૂતિ રજૂ કરી.
આ મહિલા દિન વિવિધ વય અને અનેકવિધ પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતી અનેકવિધ મહિલાઓ માટે એક ઉત્કૃષ્ટ મંચ બની રહ્યો હતો, જેના દ્વારા તેમણે કેવી રીતે મહિલાઓ એકબીજાને મદદ દ્વારા, પોતાના કુટુંબમાં અને સામાજિક જીવનમાં સંવાદિતા સાધીને પ્રગતિ કરી શકે તેનું માર્ગદર્શન મેળવ્યું હતું. મહિલાઓએ જણાવ્યું કે અક્ષરધામ દ્વારા ભક્તિને રોજિંદા જીવનમાં વિવિધ આહનિક જેવા કે આરતી, ભજન, થાળ દ્વારા સમૃદ્ધ કરી, હિન્દુ ધર્મ અને ભારતીય વારસાને જાળવવાની પ્રેરણા મળી છે.
એલર્જી એન્ડ અસ્થમા એસોસિએટ્સના મેડિકલ ડિરેક્ટર ડૉ. પૂર્વી પરીખે તેઓના સંબોધનમાં જણાવ્યું,
“ગાંધીજીએ કહ્યું હતું કે આપણાં પૃથ્વી પરના અસ્તિત્વનું ઋણ આપણે સેવા દ્વારા ચૂકવવું જોઈએ. આજે અહીં આવીને, આ અદભૂત સંકુલમાં સર્જનમાં સેવાકાર્ય કરનારી વ્યક્તિઓએ ગાંધીજીની આ ઉક્તિને આજે પુનઃ યાદ કરાવી છે.”
‘HoliCHIC by Megha’ ના સ્થાપક અને ડિઝાઇનર મેઘા રાવે જણાવ્યું,
“મેં અહીં 20 વર્ષની યુવાન છોકરીઓને જોઈ, જેઓ સેવા કરવા માટે અને આપણી આવનારી અનેક પેઢીઓને પ્રેરણારૂપ કાર્ય કરવા માટે, થોડા વર્ષો માટે કોલેજ છોડીને આવી છે! આપણી સંસ્કૃતિને જાળવવા માટે તેઓએ જે કાર્ય કર્યું છે તે ખરેખર નારીશક્તિનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.”
રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા, BAPS સંસ્થાના સદ્ગુરુ સંત પૂજ્ય સ્વયંપ્રકાશદાસ (ડૉક્ટર) સ્વામીએ જણાવ્યું,
“એક સદ્ગુણી માતા દસ લાખ સારા શિક્ષકો જેટલી અસર કરી શકે છે. “ તેમણે પ્રાચીન ઋષિઓના શાણપણ પર ભાર મૂકતાં જણાવ્યું કે ‘જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ મૂલ્યોનો પાયો શરૂ થાય છે.’
રેકોર્ડેડ વિડિયો સંદેશ દ્વારા, BAPS સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપદાસ સ્વામીએ જણાવ્યું કે ‘માતાપિતાની સૌથી મોટી સંપત્તિ બાળકો છે, અને બાળકોમાં ઉત્તમ મૂલ્યો પ્રસારિત કરવાનું ઉત્તરદાયિત્વ વાલીઓનું છે.’
આ સમગ્ર મહિલા દિન કાર્યક્રમનો સંદેશ હતો કે અક્ષરધામ, માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભાવિ પેઢીઓને તેમના સાંસ્કૃતિક વારસા અને કાલાતીત મૂલ્યોને જાળવવા માટે પ્રેરણા આપવા માટેનું એક અદભૂત સ્થાન છે.