અમદાવાદઃ સોનાનાં આભૂષણોના હોલમાર્કિંગ યુનિક ID ફરજિયાત કરવા સામે દેશભરની ઝવેરીની વેપારી આલમમાં રોષ ફેલાયો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા જ્વેલરીના હોલમાર્કિંગ યુનિક IDના અમલીકરણના વિરોધમાં દેશના જ્વેલર્સ આજે એક દિવસની હડતાળ પર જશે. આજની હડતાળમાં અમદાવાદના નાના-મોટા 10,000 જ્વેલર્સ જોડાશે.
સોનાના દાગીના પર હોલમાર્કની સિસ્ટમ લાગુ કરી ફરજિયાત HUID સિસ્ટમ લગાવવા કરેલા હુકમને કારણે ગુજરાત સહિત દેશભરમાં ઝવેરીઓમાં વિરોધ થઈ રહ્યો છે.
અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને સરકારની નવી હોલમાર્કિંગ પ્રક્રિયાનો વિરોધ કર્યો છે અને HUIDને એક વિનાશક પ્રક્રિયા ગણાવી છે. ટાસ્ક ફોર્સનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હોલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે, પરંતુ BISએ જેમ અને જ્વેલરી ઉદ્યોગ સાથે મહેસૂલ વિભાગની બાબતોને જટિલ અને અવ્યવહારુ બનાવવાનો વેપારીઓનો આરોપ છે.
(પ્રતીકાત્મક ફોટો)
આ કાયદા અંગે વેપારીઓની દલીલ છે કે HUIDના અમલથી સરકાર ગ્રાહકોને ટ્રેક કરી રહી છે. એની સાથે-સાથે આ ઇન્ડસ્ટ્રીમાં પણ ઇન્સ્પેક્ટર રાજ આવી જવાની શક્યતા છે. જેને કારણે જ્વેલર્સ અને ગ્રાહકોને નુકસાન થઈ શકે છે સરકારના HUIDના કાયદા સામે દેશભરના જ્વેલર્સની એક નેશનલ ટ્રાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. જેણે પ્રતીક હડતાળની જાહેરાત કરી છે.
ગુજરાત જ્વેલર્સ એસોસિયેશનના ઝવેરભાઈ ઝવેરી તથા અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, HUIDના કાયદામાં સોનાના દાગીના કાપવાના, ઓગાળવાના તેમ જ બનાવવાના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. કોઈ સંજોગોમાં કોઇ ગ્રાહક પોતાના સોનાના દાગીના જ્વેલર્સને રિપેરિંગ માટે આપે તો આ કાયદા મુજબ બે ગ્રામથી વધારેના દાગીનાને ફરીથી HUID કરાવવાની નોબત ઊભી થાય તેમ છે.આ ઉપરાંત જ્વેલર્સ સામે ફોજદારી કાયદાની જોગવાઈ અને તેનું લાઇસન્સ તાકીદે રદ કરવાની જોગવાઈ છે. જેને કારણે જ્વેલર્સ ધંધો કરતા ડરે અને જ્વેલર્સ ધંધો પણ બંધ કરી દે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. વળી, રાજકોટમાં જવેલર્સ દુકાનો બંધ રાખી નવી પ્રક્રિયાનો વિરોધ નોંધાવ્યો છે.