સાબરકાંઠાઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાબરકાંઠાના ડેરોલમાં તિરુપતિ ઋષિવન ખાતે યોજાયેલ કાર્યકમમાં પદ્મભૂષણ પૂજ્ય સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજને ‘પ્રકૃતિ એવોર્ડ’ અર્પણ કરી એમનું જાહેર સમ્માન કર્યું હતું. આ અવસરે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થાના 11,000 ગ્રીન કમાન્ડો દ્વારા 11,000 વૃક્ષોનું વાવેતર, 1100 યુનિટ રકતદાન તથા 1100 ગંગાસ્વરૂપ બહેનોને ધાબળા વિતરણ જેવા કાર્યક્રમોના કરાયેલા આયોજનની પણ મુખ્ય પ્રધાન પટેલે સરાહના કરી હતી.
ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પણ ભૂપેન્દ્રભાઈએ ઉપસ્થિત રહી પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ અને નિકાલની ઝુંબેશમાં સક્રિય યોગદાન આપનાર ઉધોગ-સંસ્થાઓનું પ્રશસ્તિપત્ર આપી સમ્માન કર્યું હતું. એમણે પ્રતિક વૃક્ષારોપણ કરી સૌ પર્યાવરણપ્રેમીઓને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમજ છોડમાં રણછોડ જોઈને મોટા પાયે વૃક્ષારોપણ કરી ગુજરાતની ધરતીને હરિયાળી, નવપલ્લવિત કરવા આહવાન કર્યું હતું.
(તસવીર સૌજન્યઃ @CMOGuj)