ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025, રાજ્યમાં એ-વન ગ્રેડમાં સુરતનો ડંકો

સુરત: આજે જાહેર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એ-વન ગ્રેડ મેળવવામાં સુરતે ફરી મેદાન માર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 247 અને સામાન્ય પ્રવાહમાં 1672 સુરતી વિધાર્થીઓ ઝળક્યા છે. ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ 83.51 ટકા પરિણામ આવ્યું છે. જેમાં સુરતનું 86.50 ટકા પરિણામ છે. એ-વન ગ્રેડમાં આખા રાજ્યમાં સુરત પ્રથમ સ્થાને છે. સુરતના 247 વિધાર્થીઓ એ-વન ગ્રેડમાં સ્થાન મળ્યું છે.

દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાનું પરિણામ જોઈએ તો, તાપી 71.17 ટકા (એ-વનમાં એકપણ નહીં) નવસારી 84.98 ટકા (58 વિધાર્થીઓ એ-વનમાં), વલસાડ 73.47 ટકા (21 વિધાર્થીઓ એ-વનમાં), ડાંગ 84.78 ટકા (એ-વનમાં એક પણ નહી) ભરૂચ 79.66 ટકા (એ-વનમાં 11 વિદ્યાર્થીઓ ), નર્મદા 69.49 ટકા (એ-વનમાં એક વિદ્યાર્થી) છે.

જ્યારે ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ છે. જેમાં સુરતના 93.97 ટકા પરિણામ પ્રાપ્ત થયું છે. સામાન્ય પ્રવાહમાં પણ એ-વન ગ્રેડમાં સુરત પ્રથમ સ્થાને છે. સુરતના 1672 વિધાર્થીઓ એ-વન ગ્રેડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાનું પરિણામ જોઈએ તો તાપી 95.08 ટકા (એ-વનમાં 14 વિદ્યાર્થી) નવસારી 95.61 ટકા (89 વિધાર્થીઓ એ-વનમાં), વલસાડ 89.52 ટકા (24 વિધાર્થીઓ એ-વનમાં), ડાંગ 96.01 ટકા (એ-વનમાં એક પણ નહી) ભરૂચ 93.33 ટકા (50 વિદ્યાર્થીઓ એ-વનમાં), નર્મદા 95.21 ટકા (એ-વનમાં બે વિદ્યાર્થી) છે.

સંસ્કારતીર્થની વિધાર્થીને 99.99 પર્સેન્ટાઇલ

સુરતના મોટા વરાછામાં આવેલી સંસ્કાર તીર્થ ગ્યાનપીઠ શાળાની ધો 12 કોમર્સની વિધાર્થીની ભાલોડીયા હસ્તી આયુષભાઈએ 99.99 પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. હસ્તી ચિત્રલેખા.કોમને કહે છે,”પહેલા દિવસથી મહેનત ચાલુ કરી હતી. શાળામાં અભ્યાસ બાદ અને ઘરે રીવીઝન કર્યું. વાંચન સમયે ફ્રેશ થવા ટીવી જોવાનું તેમજ સોશિયલ મીડિયાનો પણ સપ્રમાણ ઉપયોગ કર્યો છે. આત્મવિશ્વાસ સાથે મહેનત કરો તો ધારી સફળતા મેળવી શકાય છે. હસ્તીને આગળ MBA કરવાની મહેચ્છા છે.”

(અરવિંદ ગોંડલિયા-સુરત)