સૂરત ફરી ‘તક્ષશિલા’થી બચ્યું, ‘જ્ઞાનગંગા’માં 150 બાળકો અને નીચે ફેક્ટરીમાં આગ…

સૂરતઃ સૂરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં એક આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યાં હતાં. આ ઘટનાના ઘા હજી તો રુઝાણાં નથી ત્યાં તો સૂરતમાં ફરીથી આગની એવી ઘટના સામે આવી છે,જેમાં દોઢસો બાળકોના જીવ જોખમાયાં હતાં. સૂરતની જ્ઞાનગંગા શાળાની નીચે આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી, અને આ કારખાનાની બિલકુલ ઉપર આવેલી શાળાના 150 વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ ગયાં હતાં. મહત્વની વાત એ છે કે સદનસીબે આ બાળકોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. પરંતુ આ ઘટના બાદ અનેક પ્રકારના ગંભીર સવાલ ઉઠી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ જ્ઞાનગંગા નામની શાળાને સીલ કરી દેવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે ઘટના ઘટી ગયા બાદ શાળાને સીલ કરી દેવામાં આવી છે તેનાથી શું થશે? શું આ શાળા પર પહેલા સત્તાધીશોનું ધ્યાન નહી ગયું હોય? કે પછી કેટલાક ચોક્કસ લોકોની રહેમ નજર હેઠળ જ આ પ્રકારની શાળાઓ ચાલી રહી છે. તક્ષશિલાની ઘટના બાદ દાવાઓ કરવામાં આવ્યાં હતાં કે આ પ્રકારની શાળાઓ કે કોમ્પ્લેક્સીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તો પછી એવું તો શું થયું કે હજી આ પ્રકારની શાળાઓ કે જ્યાં બાળકોનો જીવ જોખમમાં હોય તે ચાલી રહી છે.

આ તો વાત થઈ એક કે બે શાળાઓની, પરંતુ કોમર્શીયલ કોમ્પ્લેક્સમાં ચાલતા કેટલાય ઈન્સ્ટીટ્યૂટ્સ અને શાળાઓ હશે કે જેના વિરુદ્ધ હજી કાર્યવાહી નથી થઈ. સવાલો અનેક છે પરંતુ સામે એક પ્રશ્ન છે કે આનો જવાબ કોણ આપશે અને કાર્યવાહી ક્યારે થશે. ઘટનાસ્થળ પર આવેલા અધિકારીઓને મીડિયા દ્વારા અનેક સવાલો પૂછવામાં આવ્યા પરંતુ કમનસીબે એકપણ સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારે પ્રશ્ન છે કે આ પ્રકારની ઘટનાઓનો દોર ક્યાં સુધી ચાલુ રહેશે?

ઘટના મામલે વિગતો જાણીએ તો સૂરતના ભટાર રોડ પર આવેલી જ્ઞાનગંગા સ્કૂલની નીચે એક પ્લાસ્ટિક બનાવતી કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. કારખાનામાં જ્યારે આગની ઘટના બની ત્યારે સ્કૂલ ચાલુ હતી. અને 150 બાળકો અભ્યાસ કરી રહ્યાં હતાં.

આગે વિકરાળ રૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને ફાયરની ટીમે સ્કૂલમાં પહોંચીને સ્કૂલના 150 બાળકોના રેસ્ક્યૂ કર્યા હતા. સુરતના અગ્નિકાંડની શાહી હજી સૂકાયા એક મહિના પણ થયો નથી, ત્યાં ફરીથી સુરતમાં ફરીથી આગની ઘટના સામે આવી છે.  આગે વિકરાળ રૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં 5  ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં, અને ફાયરની ટીમે સ્કૂલમાં પહોંચીને સ્કૂલના 150 બાળકોના રેસ્ક્યૂ કર્યાં હતાં.

કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ત્યાં શાળાઓ બનાવવાની મંજૂરી કોણ આપે છે તે પણ એક યક્ષ પ્રશ્ન છે. કદાચ લાગી રહ્યું છે કે સત્તાધીશો સત્તાના નશામાં હશે અને એટલા માટે જ એમને આ પ્રકારની જગ્યાઓ નહી દેખાતી હોય. જો કે સદનસીબે 150 જેટલા બાળકોને બચાવી તો લેવાયા પરંતુ જો કોઈ અઘટિત ઘટના ઘટી ગઈ હોત તો જવાબદાર કોણ?