આખરે રાજદ્રોહ કેસમાં જેલબંધ અલ્પેશ કથીરીયાને જામીન મળ્યાં…

સૂરતઃ 2015ના પાટીદાર આંદોલન દરમિયાન પકડાયેલા પાટીદાર નેતા અલ્પેશ કથીરીયાને રાજદ્રોહ કેસમાં આખરે કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. દસ્તાવેજી પ્રક્રિયા પૂરી થયા પછી તે જેલમાંથી બહાર આવી જશે. અલ્પેશને જામીન મળવાના ખબર મળતાં સૂરતના પાટીદાર સમાજમાં હર્ષની લાગણી પ્રસરી છે. અમદાવાદ બાદ સૂરતના કેસમાં જામીન મળ્યાં છે.જોકે અન્ય ત્રણ કેસમાં જામીન પ્રક્રિયા બાકી છે ત્યારે અલ્પેશને હાલ જેલમુક્ત થવા અંગે સંશય છે.દીવાળી પહેલાં કોર્ટમાં થયેલી કાર્યવાહી દરમિયાન તેને જામીન મળ્યાં ન હતાં.  અલ્પેશ સૂરતમાં રાજદ્રોહના કેસનો સામનો કરી રહ્યો છે. આ જમીન મંજૂર થતા ‘પાસ’ સહિતના પાટીદાર નેતાઓમાં આનદની લાગણી પ્રસરી ગઈ છે.આ સમાચાર મળતાં લાલજી પટેલ, લલિત કગથરા વગેરે આગેવાનોમાં આનંદ વ્યાપ્યો હતો અને જામીન મળ્યાંની વાતને કાયદાની જીત બતાવી હતી. અલ્પેશના વકીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અલ્પેશને 25 હજારના બોન્ડ અને અન્ય શરતો ઉપર જામીન મળ્યાં છે. અલ્પેશને અન્ય કેસમાં જામીન બાકી હોવાને પગલે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને મંગળવાર સુધીમાં લાજપોર જેલમાંથી લાવવામાં આવશેઆપને જણાવીએ કે 2015ના વર્ષમાં પાટીદાર અનામતનું આંદોલન તેની ચરમસીમા પર હતું. એ વખતે રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. જેમાંની એક ઘટના સૂરતના અમરોલી પોલીસ મથકની હદમાં બની હતી. જેમાં પાસના ગુજરાતના નેતા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનો સામે ગુના રજિસ્ટર નં. 135-2015થી રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો.