વર્લ્ડ ડિસેબલ ડેઃ અમદાવાદમાં દિવ્યાંગ વાહન ચાલકોને અનોખી ભેટ…

અમદાવાદ- માનવ દેહે જન્મેલા દરેક વ્યક્તિને પોતાના શોખ, જરુરિયાત, આશાઓ અને સપનાં હોય છે. કેટલાક માણસ દિવ્યાંગ સ્વરુપે જન્મ લે છે, પરંતુ  હિંમત અને જુસ્સો ભરપૂર હોય છે. દિવ્યાંગ લોકની અનેક ગાથાઓ રચાઇ ગઇ છે. જેમાં ઘણાં દિવ્યાંગો એ ઇતિહાસ રચ્યા છે, પ્રેરણાદાયી પણ બન્યા છે.

3 જી ડિસેમ્બર 2018 વર્લ્ડ ડિસેબલ ડે ના દિવસે અમદાવાદ શહેરના આર.ટી.ઓ ખાતે એક અનોખી કામગીરી કરવામાં આવી. આ  વિશિષ્ટ કામગીરીમાં એક સાથે 200 જેટલા દિવ્યાંગ વાહન ચલાવવામાં સક્ષમ લોકોને લાઇસન્સ ફાળવવામાં આવ્યા.

આ કાર્યક્રમ સાથે જોડાયેલા સમીર કક્કડે ચિત્રલેખા.કોમ ને જણાવે છે કે, દુનિયામાં સૌ પ્રથમવાર અમદાવાદ આર.ટી.ઓમાં આ પ્રકારની દિવ્યાંગો માટે કામગીરી કરવામાં આવી. જેમાં સરકારી હોસ્પિટલ દ્વારા ફિટનેસ ટેસ્ટ માટે પણ સારો સહકાર આપવામાં આવ્યો હતો. એક જ છત નીચે એક જ દિવસમાં 200 દિવ્યાંગોને એક સાથે વાહન ચલાવવાની પરવાનગી આપી એ એક અનોખી ઘટના છે.

આ પરવાનગીથી  દિવ્યાંગ વાહન ચાલકો પોતાની પત્ની, બાળકો અને માતા-પિતા સાથે ફરી શકશે, જીવનની મજા માણી શકશે. લાયસન્સ આપવાની કામગીરી વેળાએ સુભાષબ્રિજ ખાતેના આર.ટી.ઓ માં દિવ્યાંગ વાહન ચાલકો તેમજ કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વર્લ્ડ ડિસેબલ ડે ના દિવસે શહેરમાં દિવ્યાંગો માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ  વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અપંગ માનવ મંડળ વસ્ત્રાપુર દ્વારા સળંગ ત્રણ દિવસ વર્લ્ડ ડિસેબલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં ચેરીટેબલ શો, સાધનોનું દાન તેમજ કેમ્પસમાં બાળકોના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.

તસવીર  અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]