હાર્દિક પટેલને ધરપકડ સામે 6 માર્ચ સુધી રાહત

અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. પોલીસે તેમની ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરતાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તે નાસતો ફરતો હતો. આ માટે તેમણે સુપ્રીમના દરવાજા ખટખટાવતાં કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલની 6 માર્ચ સુધી ધરપકડ પર રોક લગાવતા આગોતરા જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે હાર્દિકની ધરપકડ મુદ્દે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. 6 માર્ચ સુધીમાં સરકારે કોર્ટેમાં જવાબ રજૂ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ કેસમાં હાર્દિક માટે જેલમાં જવાનો વારો આવતાં તે ગાયબ થઈ ગયો હતો. જે સમયે તેની પત્નીએ પણ ટ્વીટરમાં ટ્વીટ કર્યા હતાં.