ગુજરાત બજેટ 2020-21: રાજ્યનું જાહેર દેવું 2.40 લાખને પાર પહોંચ્યું

ગાંધીનગર: રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2020-21નું અંદાજપત્ર રજૂ થયું હતું. નાણામંત્રી નીતિન પટેલે સદનમાં આઠમી વાર બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટનું કુલ કદ 2,17,287 કરોડ રૂપિયા છે. 605 કરોડ રૂપિયાની પુરાંત વાળું બજેટ રજૂ કરતા નીતિન પટેલ જણાવ્યું હતું કે રાજ્યને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવાના ધ્યેય સાથે અમે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, જળ વ્યવસ્થાપન, ગ્રામ અને શહેરી વિકાસ, સામાજિક વિકાસ જેવા ક્ષેત્રો પર ખાસ ભાર મૂક્યો છે. આ સાથે સાથે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતના મહત્તમ ઉપયોગ અને પર્યાવરણની જાળવણીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રાજ્યનું જાહેર દેવું 2.40 લાખને પાર પહોંચી ગયું છે. વર્ષ 2017-18 માં દેવામાં 13,253 કરોડનો વધારો થયો હતો, તો વર્ષ 2018-19 માં દેવામાં 28,061 કરોડનો વધારો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017-18 માં 17,146 કરોડ રુપિયા જેટલું વ્યાજ ચૂકવવામાં આવ્યું હતુ. તો વર્ષ 2018-19 માં સરકાર દ્વારા 18,124 કરોડ રુપિયા જેટલું વ્યાજ ચૂકવવામાં આવ્યું છે.

નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું, મારી સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા વીજ જોડાણ , સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે . હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે . જેના ભાગરુપે હું નવી દિનકર યોજના જાહેર કરું છું . આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.3500 કરોડનું આયોજન છે . જે માટે રૂ.500 કરોડની જોગવાઈ કરાઈ છે.

જૂના જર્જરિત વીજ વાયરોને બદલવા , નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે , લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે , કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ તથા સીમ શાળાઓમાં થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવા રૂ.305 કરોડની જોગવાઈ. જરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઇલેકિટ્રસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશનને શેરમૂડી ફાળા માટે રૂ.275 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. .