સલામત અને પ્રેરક વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવું તે પ્રગતિનું ઉદાહરણ છે. કેલોરેક્સ ફાઉન્ડેશન સંચાલિત વિસામો કીડ્ઝ ફાઉન્ડેશન છેલ્લા 21 વર્ષથી શૈક્ષણિક તકો મારફતે સશક્તિકરણ કરીને નાના બાળકોના જીવનનું પરિવર્તન કરી રહ્યું છે.
વર્ષ 2023 વિસામો કીડઝ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અભૂતપૂર્વ બની રહ્યું છે. આ ફાઉન્ડેશનના ત્રણ વિદ્યાર્થીઓએ 12 વર્ષની સફર સાથે ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરીને શિક્ષણની ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
આમાંના પ્રથમ વિદ્યાર્થી તરીકે આણંદના ચિખોદ્રા ગામની પ્રાચી રોહિતનો સમાવેશ થાય છે. પ્રાચીના પિતા હર્ષદ ભાઈ રોહિત ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, મારી દીકરી ભણવામાં ખુબ જ હોંશિયાર છે. એ નાની હતી ત્યારથી જ એરક્રાફ્ટ/પ્લેન સાથે કામ કરવાનું તેનું સપનું હતું. હું તો મસાલાની કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરું માંડ અમારી આજીવિકા પુરી થાય. એમાં દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવવાનું તો વિચારું જ કઈ રીતે. પરંતુ અમારા સથવારે વિસામો આવ્યો એમના થકી જ આજે મારી દીકરી પ્રાચીએ અમદાવાદની નામાંકીત સેટેલાઈટ વિસ્તારની આનંદ નિકેતન શાળામાં શિક્ષણ પુર્ણ કર્યું. અને હાલમાં વડોદરાની એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જીનીયરીંગમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે.
જયારે હળવદના રાયસનપુર ગામનો આશિષ છેલ્લા 12 વર્ષથી વિસામો કિડ્સ સાથે સંકળાયેલો છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, મારા પિતા સામાન્ય દરજી છે. અમારું માંડ જીવન જીવતા ત્યાં સારો અભ્યાસ કરવાનું તો સાકાર જ કેવી રીતે થાય. પરંતુ મારા સથવારે વિસામો કિડ્સ ફાઉન્ડેશન આવ્યું. એમના થકી હું સારો અભ્યાસ કરી શક્યો. એટલું જ નહીં પરંતુ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવાનું મારું સપનું પણ સાકાર થવા જઈ રહ્યું છે. હાલમાં હું સિલ્વર ઓક કોલેજમાંથી અભ્યાસ કરી રહ્યો છું. મારા જેવા અનેક બાળકોના માટે વિસામો કિડ્સ ફાઉન્ડેશન આશાનું કિરણ છે.
દ્ધષ્ટિ મકવાણા પ્રતિષ્ઠીત શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવનાર વધુ એક વિદ્યાર્થીની છે. એણે જોધપુરની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (નિફ્ટ)માં પ્રવેશ મેળવ્યો છે. ધોરણ-12માં અભ્યાસ કરતી દ્રષ્ટિએ વિસામો કીડ્ઝ ફાઉન્ડેશનના સહયોગથી ઝેબર સ્કૂલમાં 87 ટકા ગુણ મેળવ્યા છે. દ્રષ્ટિનું સપનું ફેશન ડિઝાઇનર બનવાનું હતું, તેના પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે પોતાનું સપનું સાકાર કરી શકતી ન હતી. દ્ધષ્ટિના પિતા રમેશભાઇ પમ્બલર અને લેબર વર્ક કરે છે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારી દિકરી એક દિવસ નીફટ જેવી પરિક્ષા પાસ કરશે. અમારે તો એક સાંઘતા તેર તુટે જેવી સ્થિતી હતી જેમાં વિસામો મારી દિકરી માટે આર્શીવાદ બનીને આવ્યું. સંસ્થાની મદદથી જ અમારી દીકરી પગભર થઇ શકશે.
વિસામો કીડ્ઝ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ સુપરવાઈઝર સુદેશના ભોજીયા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે “વિસામો કીડઝ ફાઉન્ડેશનમાં અમે શિક્ષણના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓના જીવન પરિવર્તન માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ ત્રણ બાળકોએ સખત પરિશ્રમ અને સમર્પણ ભાવના મારફતે ઉચ્ચ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમે વધુને વધુ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરૂં પાડીને તેમના સશક્તિકરણ માટે તત્પર છીએ.”
વિસામો કીડ્ઝ ફાઉન્ડેશન વંચિત બાળકો માટે છત્રછાયાની કામગીરી કરે છે અને પર્યાવરણના વિકાસની સાથે સાથે 100થી વધુ બાળકોને ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પાડી રહ્યું છે