અમદાવાદ કોર્પોરેશન કચેરીએ લારીગલ્લાવાળાઓનું હૂજુમ દેખાવ કરવા ઊતરી આવ્યું

અમદાવાદ- શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ દૂર કરવાની ડ્રાઇવને લઇને ટ્રાફિક પોલિસ અને શહેર પોલિસ દ્વારા છેલ્લાં કેટલાક દિવસથી સખત પગલાં લેવામાં આવી રહ્યાં છે. શહેરના સતત ધમધમતાં લો ગાર્ડન વિસ્તારમાંથી બે દિવસમાં તમામ દબાણ અને લારીગલ્લાં-પાથરણાં ઉઠાવી લેવામાં આવતાં મોટી સંખ્યામાં તેઓ મ્યૂનિસિપલ કોર્પોરેશન કચેરીએ દેખાવો કરવા સવારથી ઉમટી પડ્યાં હતાં.

જેને લઇને કોર્પોરેશન પર પોલિસ બંદોબસ્ત વધારીને કોર્પોરેશનના દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આપને જણાવીએ કે અમદાવાદ શહેરમાં હાઈકોર્ટના ચૂકાદા બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટ્રીક એક્શન મોડમાં છે. આડેધડ પાર્કિંગ અને ગેરકાયદે ચાલતાં લારીગલ્લાને જપ્ત કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે છેલ્લાં અઠવાડિયામાં કોર્પોરેશને આ મામલે તવાઇ બોલાવતાં લારીગલ્લાં-પાથરણાંવાળામાં રોષ ફેલાયો છે.

આ મુદ્દે સમગ્ર અમદાવાદમાંથી મોટી સંખ્યામાં લારીગલ્લા અને પાથરણાંવાળા સાથે મળી સૂત્રોચ્ચાર કરી ટાઉનહોલ થી મ્યુનિસિપલ કચેરી દાણાપીઠ સુધી રેલી યોજી અને મ્યૂનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં વાવના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આવી પહોંચ્યાં હતાં.જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબો પર દમન કરી રહી છે કોર્પોરેશનના અધિકારીઓ લારી ગલ્લાવાળા પાસેથી હપ્તા લેતાં હોય છે અને હવે તેમના પર બુલડોઝર ફેરવે છે. વધુમાં મેવાણીએ કહ્યું કે તે આ ગરીબોની સાથે છે અને સરકાર સામેની લડતમાં તેમને સહકાર આપશે.

વિડીયો અને તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ