સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ..

રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત પાછલા 24 કલાકમાં ગુજરાતના 150 તાલુકામાં નોંધપત્ર વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે વલસાડના ઉમરગામમાં 8 ઈચથી વધુ, સુરતના પલસાણામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના નિઝરમાં  5 ઈંચથી વધુ, સુરતના મહુવામાં 5 ઈંચ, નવસારી 5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4 ઈંચથી વધુ, વલસાડના પારડીમાં 4 ઈંચથી વધુ, સુરતના ઓલપાડમાં 4 ઈંચથી વધુ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

 મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આજે સવારે 8 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં ત્રણ ઈંચ, રાજકોટના પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલ સુધીમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 57.10 ટકા, કચ્છમાં 51.10 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 23.09 ટકા વરસાદ નોંધાયો છે.