ગાંધીનગરઃ આખરે રાજ્ય સરકાર દ્વારા જમીન વિકાસ નિગમને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નિગમમાં વારંવાર થતા કૌભાંડોના પગલે સરકારની છબી ખરડાતી હતી તો આ સીવાય નિગમના અધિકારીઓ દ્વારા થોડા સમય પહેલા સામે આવેલા કૌભાંડને લઈને રાજ્ય સરકાર દ્વારા નિગમને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિગમમાં કામ કરતા 400 જેટલા કર્મચારીઓનો અન્ય વિભાગમાં સમાવેશ કરવામાં આવશે. નિગમ હેઠળની જે યોજનાઓ કાર્યરત છે તે ચાલુ રહેશે.મહત્વનું છે કે આ વર્ષે એપ્રિલ મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ જમીન વિકાસ નિગમની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જેમાં મેનેજિંગ ડિરેક્ટર કે.એસ.દેત્રોજા, જોઈન્ટ ડાયરેક્ટર કે.સી.પરમાર, મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ, ફિલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા પાસેથી રૂ. 60 લાખની આસપાસ રોકડ મળી આવી હતી. આ સિવાય સાબરકાંઠા, પાટણ સહિતની અન્ય કચેરીઓ ખાતે તેમજ અધિકારીઓના નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અધિકારીઓ તરફથી લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હતી.
એસીબીએ સરકારને આપેલા કૌભાંડના રિપોર્ટ બાદ આ પગલા લેવામાં આવ્યાં છે. એસીબીના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આ નિગમમાં તમામ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેથી સરકારે આ નિગમને તાળા મારવાનો નિર્ણય લીધો છે. આ વિભાગમાં હાલ 400 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જેમને અન્ય વિભાગમાં સમાવવામાં આવશે. આ સાથે જે યોજનાઓ ચાલી રહી છે તે તમામ યોજનાઓ ચાલું રહેશે.