અમદાવાદ: શહેરના પૂર્વ-પશ્ચિમના વિસ્તારોના માર્ગો, ઓવરબ્રિજ અને ખુલ્લી જગ્યાઓ પર ઉતરાયણ પહેલાં ધારદાર દોરીથી રક્ષણ મેળવવા ટૂ-વ્હીલર પર સળિયા લગાડવાનું શરૂ થઈ ગયું છે. પતંગોત્સવ જેમ- જેમ નજીક આવતો જાય એમ માર્ગો પર પતંગો ઠેર-ઠેર વેચતા અને ઊડતા જોવા મળે. ઉતરાયણ નજીક આવતી હોય ત્યારે કેટલાક વિસ્તારના પતંગરસિયાઓ રોડ પર જ પતંગ ચગાવતા જોવા મળે છે. ચાલીઓ, સોસાયટીઓને મહોલ્લામાંથી પણ ઉતરાયણ પહેલાં પતંગો ઊડે છે. શહેરી વિસ્તારના આકાશમાં ઊડતા પતંગ દોરી કપાઈને રોડ પર આવે કે પડે ત્યારે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે, અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતના ઘણા કિસ્સામાં લોકોના મોં-ગળા પર, આંખો જેવા ભાગો પર ગંભીર ઇજાઓ થાય છે.
ઉતરાયણ નજીક આવવાની શરૂ થાય કે તરત જ કેટલાક લોકો સુરક્ષા માટે ગળે મફલર અને હેલ્મેટ પહેરતા હોય છે. હમણાં થોડાં વર્ષોથી માર્ગો પર અચાનક જ પડતી દોરીને રોકવા વાહનો પર લોખંડના સળિયા સ્ટિયરિંગ પર લગાડવાનું શરૂ થયું છે. વાહનો પર સળિયા લગાડતાં લોકો કહે છે કે અંદાજ મુજબ કારખાનામાં ઓર્ડર આપી સળિયા તૈયાર કરાવીએ છે. ટૂ-વ્હીલર પર સળિયા લગાવવાથી ઉતરાયણમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)