સોમનાથ- સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં સોમનાથ કાફેનો પ્રારંભ કર્યો છે, જેમાં હવે ગુજરાતી થાળી સહિત દક્ષિણ ભારતની વાનગીઓ મળશે. યાત્રિકોની સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વસ્તિક પ્લાઝામાં પહેલા માળે સોમનાથ તીર્થધામમાં આવતા યાત્રિકો તથા સ્થાનિક લોકોને શુધ્ધ શાકાહારી ભોજનમાં ગુજરાતી થાળી, અનલીમીટેડ, ગુજરાતી થાળી સાથે ફરસાણ સ્વીટ, તેમજ સાઉથ ઇન્ડિયન ચીજવસ્તુઓ, ચા/કોફી/ઠંડાપીણાનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે. ઉતમ કક્ષાની ક્વોલીટીવાળી વાનગીઓ યાત્રિકો તથા સ્થાનિક લોકોને મળે તેમજ આવનારો યાત્રીઓ સોમનાથના સંભારણાસમો સ્વાદ લઇ આનંદીત થાય તેવા શુભ આશયથી નવા સોપાનનો પ્રારંભ રવિવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલના વરદ હસ્તે દિપપ્રાગટ્ય સાથે કરેલ. આ પ્રસંગે ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી, ટ્રસ્ટી જે.ડી.પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સોમનાથ કાફેનો સ્વાદ લેવા યાત્રિકો, સ્થાનિક લોકોને શ્રી સોમનાથ ટ્રસ્ટનુ નિમંત્રણ છે. સોમનાથ કાફેમાં ચોસઠ(64) વ્યક્તિઓ બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે, સાથે જ દિવ્યાંગો અને સિનિયર સીટીઝન માટે લિફ્ટની સુવિધા રાખવામાં આવી છે.