નાનકડું એવું જાખોરા ગામ, ચીંધે છે રાહ

ગાંધીનગર- હાલ રાજ્યમાં જળસંચય અને જળસંગ્રહ માટે સરકાર દ્વારા કેટલાક કામ હાથ ધરવામાં આવ્યાં છે અને સીએમ રુપાણી તે માટે રાજ્યના જિલ્લેજિલ્લે દોડી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના એક સાવ નાના એા જાખોરા ગામના લોકોએ સ્વયંભૂ આ માટે જોતરાઇને બીજી સહાયતાની રાહ જોતાં લોકો માટે રાહ ચીધી છે.ગાંધીનગર જિલ્લાનું નાનકડું જાખોરા ગામ 270 જેટલા ખેડૂત પરિવારનું બનેલું ધરાવે છે. જેઓએ સુજલામ્ સુફલામ્ જળસંગ્રહમાં સ્વયંભૂ જોડાઇને તળાવ ઉંડુ કરવાનું કાર્ય હાથ ધરી અનેરૂ ઉદાહરણ પુરું પાડયું છે. જાખોરા ગામમાં રૂપિયા 1.26 લાખના ખર્ચે તળાવ ઉંડુ કરવાની જવાબદારી ગામની સહકારી મંડળીએ ઉપાડી લઇને બે જેસીબી મશીન, 4 ડમ્પર અને 4 ટ્રેકટર દ્વારા જળ સંચયનું કામ હાથ ધર્યું છે. આ કામ પંદર દિવસમાં પૂર્ણ કરાશે. જેનાથી 1.25 મિલિયન કયુબિક ફીટ પાણીનો સંગ્રહ થશે.ગામની મુલાકાતે આવેલાં મુખ્ય સચીવ ડૉ. જે.એન. સિંઘે જાખોરાના લોકોને કોઇ સહાય લીધા વગર સ્વયંભૂ તળાવ ઉંડુ કરવાનું કાર્ય કરવા બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નાનકડું આ જાખોરા ગામ આર્થિક રીતે વઘુ સદ્ધર બને અને મનરેગા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાઓની મદદથી આ ગામમાં વધુ સારા કામો કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, સુજલામ્ સુફલામ્ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાના માસ્ટર પ્લાન મુજબ લોકભાગીદારી સાથેના કુલ 255 કામો પૈકી કુલ 138 કામો લોકભાગીદારીથી હાથ ધરવાના હતા. જયારે બાકીના 117 કામો જુદા જુદા વિભાગો દ્વારા કરવાનું આયોજન છે. તે પૈકી આજ સુધીમાં 228 કામો પ્રગતિમાં છે. જયારે 22 કામો પૂર્ણ થયેલ છે. ગાંધીનગર તાલુકાના 50 તળાવો અંદાજિત રૂ. 63 લાખના ખર્ચે ઉંડા કરવાનું આયોજન હાથ ધર્યું છે. આ તળાવ ઉંડા થતાં 2.10 લાખ ઘનમીટર માટીનો જથ્થો ઉપલબ્ધ થશે. આ માટી પ્રત્યેક ગામના ખેતરોમાં જમીન સુધારણા માટે, જમીનને સમતળ બનાવવા, તળાવના પાળા ઉંચા કરવા, ગામના જાહેર સ્થળો અને રસ્તાઓને સમતળ કરવાના ઉપયોગમાં લેવામાં આવશે.